PM મોદી જે લાલ કિલ્લાના સ્તંભ પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે એની પર કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોએ પોતાનો ધ્વજ ફરકાવ્યો
એક તરફ દેશભરમાં 72માં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે અને બીજી તરફ કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢી છે. આ રેલીએ તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ખુલ્લી તલવારો અને હથિયારો સાથે ખેડૂતોએ લાલ કિલ્લા પર ચડાઈ કરી છે. લાલ કિલ્લા પર જે પોલ પર પ્રધાનમંત્રી રાષ્ટ્રધ્વજ ફરકાવતા હોય છે એની ઉપર તોફાની ખેડૂતો ચડી ગયા હતા અને પોતાના સંગઠનના ઝંડાઓને ફરકાવ્યા હતા. ખેડૂતોને સમજાવીને હટાવવા માટે પોલીસ મથામણ કરી રહી હતી.
કડક સુરક્ષાની વ્યવસ્થા પણ ખેડૂતોને લાલ કિલ્લા સુધી પહોંચતાં રોકી શકી નહીં. ઘણા ખેડૂતો ટ્રેક્ટરો લઈને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા છે. આવો નજારો દિલ્હીમાં પહેલીવાર જોવા મળ્યો છે. દિલ્હીના માર્ગો પર ટ્રેક્ટર જ ટ્રેક્ટર જોવા મળ્યાં હતાં. દિલ્હી પોલીસે શરત સાથે ટ્રેક્ટર રેલીની મંજૂરી આપી હતી, પરંતુ મંગળવાર સવારે દિલ્હીની અલગ-અલગ સરહદ પરથી ખેડૂતો દિલ્હીમાં ઘૂસી ગયા હતા.