જિલ્લા પંચાયત ની 28 સીટ માટે કોંગ્રેસમાંથી 160 જણાએ દાવેદારી નોંધાવી
સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી જિલ્લા પંચાયતની 28 સીટો માટે 160 જણાએ દાવેદારી કરી છે. જ્યારે ત્રણ તાલુકા પંચાયતની કુલ 80 સીટો માટે 220 ઉમેદવારોએ ટિકિટની માંગણી કરી છે. જ્યારે નગરપાલિકાની 18 સીટો માટે 203 ઉમેદવારોએ ટિકિટની માંગણી કરી છે.
રાજ્ય ચુંટણી આયોગે સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેરાત કરી છે. જોકે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીનું જાહેરનામું તારીખ 8મી, ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ થનાર છે. ત્યારે રાજકીય પક્ષોમાં ટિકિટની દાવેદારે ઉમેદવારોનું લીસ્ટ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે રાજકીય પક્ષો માટે ટિકિટની ફાળવણીને લઇને લોખંડના ચણા ચાવવા જેવી સ્થિતિ બની રહી છે.
કેમ સીટો કરતા છથી સાત ઘણાં ઉમેદવારો ટિકિટની માંગણી કરી રહ્યા હોવાથી નારાજગીનો સ્થિતિ પણ ઉભી થવાની શક્યતા રહેલી છે. ત્યારે ઉમેદવારો દ્વારા ટિકિટની માંગણી માટે ટેકેદારોને પણ સાબદા કર્યા છે. સ્થાનિક સ્વરાજની ચુંટણી ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયત તથા કલોલ અને દહેગામ નગરપાલિકાની ચુંટણી યોજનાર છે.
ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારોની દાવેદારી વધી ગઇ છે. જેમાં ગત ટર્મના વિજેતા ઉમેદવારો ઉપરાંત અન્ય સહિતને પણ દાવેદારી કરી છે. આથી ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 સીટો માટે કુલ 160 ઉમેદવારોએ ટિકિટની માંગણી કરી છે.
જિલ્લા પંચાયતની 28 સીટોની સામે અંદાજે છ ગણા ઉમેદવારોની દાવેદારી કરાતા ટિકિટની વહેંચણી બાદ બળવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ એક ઉમેદવારે બળવો કરીને ભાજપનો ખેસ પહેરી લીધો છે. ત્યારે ટિકિટ ફાળવ્યા બાદ સ્થિતિ વધુ કપરી બની રહેવાની શક્યતા પણ રહેલી છે.
તાલુકા પંચાયતની 80 સીટો માટે 220 ઉમેદવારો મેદાનમાં
જિલ્લાના કલોલ તાલુકા પંચાયતની કુલ-30 બેઠકો માટે કોંગ્રેસના 105 ઉમેદવારોએ ટિકિટની માંગણી કરી છે. જ્યારે માણસા તાલુકાની 26 બેઠકોની સામે 91 ઉમેદવારોએ અને દહેગામની 28 સીટો માટે 84 ઉમેદવારોએ ટિકિટની માંગણી કરી છે. જેમાં પોતાના પરિવારની વ્યક્તિ કે પોતાના માટે પણ ટિકિટની માંગણી કરવામાં આવી છે.
નગરપાલિકાની 18 સીટો માટે 203 ઉમેદવારો મેદાનમાં
જિલ્લાની કલોલ અને દહેગામ નગરપાલિકાની ચૂંટણીને પગલે કોંગ્રેસમાંથી કાર્યકરોએ દાવેદારી કરી છે. જેમાં કલોલ નગરપાલિકાની 11 બેઠકો માટે 110 અને દહેગામ નગરપાલિકાની 7 બેઠકો માટે 93 ઉમેદવારોએ ટિકિટની માંગ કરવામાં આવી છે. આમ નગરપાલિકાની કુલ 18 સીટો માટે કુલ 203 ઉમેદવારો મેદનમાં ઉતર્યા છે. આ સાથે જ સ્થિતિ કપરી બનવાની શક્યતા રહેલી છે.