ગાંધીનગર

લોકડાઉનથી બંધ થયેલો સે-28નો બગીચો મુલાકાતીઓ માટે અનલોક કરાતો નથી

ગાંધીનગર :

ગાંધીનગર શહેરમાં સે-ર૮ ખાતે આવેલા બાલોદ્યાન કોરોના કાળમાં બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તબક્કાવાર શહેરમાં વિવિધ પર્યટન સ્થળોને ખોલવામાં આવ્યા છે. આમ આ બગીચાને શરૃ કરવા માટે હજુ સુધી તંત્ર દ્વારા લીલીઝંડી આપવામાં આવી નથી. તો શહેરની મુલાકાતે આવતાં અને પર્યટન સ્થળો ઉપર જતાં મુલાકાતીઓ આ બગીચો બંધ હોવાથી વીલા મોંઢે પરત ફરવું પડે છે. તંત્ર દ્વારા તમામ સ્થળોને ખોલી નાંખવામાં આવ્યા છે ત્યારે કયા કારણોસર આ બગીચાને હજુ સુધી મુલાકાતીઓ માટે ખોલવામાં આવ્યો નથી તેની સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહયા છે.

કોરોના કાળમાં અપાયેલા લોકડાઉનમાં સંક્રમણ ફેલાય નહીં તે માટે મુલાકાતીઓની અવરજવરવાળા તમામ સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે ગાંધીનગર શહેરમાં આવેલા અક્ષરધામ, સરિતાઉદ્યાન, ઈન્દ્રોડા પાર્ક, સેન્ટ્રલ વિસ્ટા સહિત સે-ર૮ના બગીચાને પણ તકેદારીના ભાગરૃપે બંધ કરવામાં આવ્યો હતો. લોકડાઉન પૂર્ણ થયા બાદ અનલોકની પ્રક્રિયા શરૃ થતાં તબક્કાવાર ગાઈડલાઈનનું પાલન કરીને પર્યટન સ્થળોને પણ ખોલવામાં આવી રહયા છે. ત્યારે હજુ સુધી સે-ર૮ના બગીચાને ખોલવા માટે તંત્ર પાસે સમય ના હોય તેમ મુલાકાતીઓ માટે શરૃ કરી શકતું નથી. અગાઉ આ બગીચાના નવીનીકરણની કામગીરીના ભાગરૃપે મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ કામગીરી પૂર્ણ થયા બાદ શરૃ પણ કરાયો હતો પરંતુ કોરોના કાળના કારણે મુલાકાતીઓની અવરજવર વધી ના જાય તે માટે બંધ કરાયેલા આ બગીચાને હજુ સુધી શરૃ કરવામાં નહીં આવતાં અનેક સવાલ પણ ઉભા થઈ રહયા છે.

બગીચામાં બનાવેલી ગ્રામહાટ પણ હજુ સુધી શરૃ નહીં થતાં બિસ્માર બની રહી છે તો મુલાકાતીઓ માટે શહેરના અન્ય સ્થળોને ખોલી નાંખવામાં આવ્યા છે પરંતુ શહેરની ઓળખ બનેલા સે-ર૮ના બગીચાને નહીં ખોલાતાં મુલાકાતીઓને પણ વીલા મોંઢે પરત ફરવું પડે છે તો મુલાકાતીઓની અવરજવર નહીં થવાના કારણે બગીચો પણ સુમસામ ભાસી રહયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x