તમિલનાડુમાં મહિલાઓ અને ગરીબોની ગોલ્ડલોન માફ કરાઇ
ચેન્નાઈ :
ચૂંટણીની તારીખો જાહેર થઈ તેની થોડીક કલાકો પહેલાં તમિલનાડુના મુખ્યમંત્રીએ ખૂબ જ મહત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. સીએમ પલાનીસ્વામીએ ગોલ્ડલોન માફ કરી દીધી હતી.
તમિલનાડુના મુખ્યમંત્રી ઈ. પલાનીસ્વામીએ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ તેની થોડીક કલાકો પહેલાં આ જાહેરાત કરી હતી. સરકારની જાહેરાત પ્રમાણે સહકારી બેંકો દ્વારા ખેડૂતો, ગરીબોને અપાયેલી છ કેટેગરીની ગોલ્ડલોન માફ કરી દેવાશે.
એટલું જ નહીં, સહકારી બેંક અને ક્રેડિટ સોસાયટીઓમાંથી મહિલાઓએ ઉદ્યોગ માટે જે લોન લીધી હશે, તેને પણ માફી અપાશે. આ ગોલ્ડલોન અને મહિલાઓની ઉદ્યોગલોન માફ કરવા બાબતે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે. લોકોએ લોકડાઉન દરમિયાન સોનાના ઘરેણાં બેંકોમાં મૂકીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવી પડી હતી. એ સ્થિતિમાંથી લોકો બહાર નીકળે તે માટે આ લોન માફી કરવામાં આવી છે.
આ પહેલાં તમિલનાડુના મુખ્યમંત્રીએ ૧૬ લાખ જેટલાં ખેડૂતોનું ૧૨ હજાર કરોડ રૂપિયાનું દેવું પણ માફ કરી દેવાની જાહેરાત કરી હતી. લોકડાઉન દરમિયાન તેમણે સહકારી બેંકોને ગોલ્ડલોનની ટકાવારી ઘટાડવાનું સૂચન કર્યું હતું, તેના કારણે બેંકોએ ગોલ્ડલોન છ ટકાના વ્યાજે આપવાની જાહેરાત કરી હતી અને ત્રણ મહિનામાં એ રકમ પાછી આવી જાય તો વ્યાજ માફ કરવાની જોગવાઈનો પણ એમાં સમાવેશ થતો હતો.