ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી AIIMSમાં આજે સવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
રોના વેક્સિનેશનનો બીજો ફેઝ આજથી સામાન્ય લોકો માટે શરૂ થાય એ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લીધી છે. તેમણે આજે સવારે અંદાજે 6.30 વાગે દિલ્હી AIIMSમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. વડાપ્રધાને સ્વદેશી ભારત બાયોટેકની કોવેક્સિન લીધી છે. તેમને પુડુચેરીની નર્સ પી. નિવેદાએ વેક્સિન લગાવી હતી. આ દરમિયાન જે બીજી નર્સ હાજર હતી એ કેરળની હતી.
મોદીએ વેક્સિન લગાવતા સમયની હસતી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આમ, તેમણે વેક્સિન લઈને સામાન્ય લોકોના મનની શંકાઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. એ સાથે જ તેમણે વિપક્ષે વેક્સિન અને વડાપ્રધાન સામે ઊભા કરેલા સવાલોનો જવાબ પણ આપી દીધો છે.
કોરોના વેક્સિન લીધા બાદ PMએ ટ્વીટ કર્યું હતું
દરેક યોગ્ય લોકોને વેક્સિન લગાવવા મોદીની અપીલ
મોદીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું છે કે કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવામાં આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ જે ઝડપથી કામ કર્યું છે એ અસાધારણ છે. હું દરેક યોગ્ય લોકોને અપીલ કરું છું કે તેઓ વેક્સિન લગાવે. આપણે સાથે મળીને દેશને કોરોનામુક્ત બનાવવાનો છે.
બીજા ફેઝમાં કોને-કોને રસી આપવામાં આવશે?
– 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી આપવામાં આવશે
– 45 વર્ષથી વધુની વયના ગંભીર બીમારી ધરાવતા લોકો રસી આપી શકશે.
– સરકાર દ્વારા ગંભીર બીમારીની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
– ગંભીર બીમારીવાળા લોકો માટે ડોક્ટરનું પ્રમાણપત્ર આવશ્યક રહેશે
– કેન્દ્ર સરકારે આ પ્રમાણપત્રનું ફોર્મેટ પણ બહાર પાડ્યું છે
કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલોમાં રસીના ભાવ નક્કી કર્યા
– રસીની એકમાત્રા માટે 250 રૂપિયા લેવામાં આવશે.
– એમાં રૂ.150 રસીના અને 100 સર્વિસ ચાર્જ થશે.
– સરકારી હોસ્પિટલોમાં કોરોના રસી વિનામૂલ્યે આપવામાં આવશે.
બીજા તબક્કામાં 27 કરોડ લોકોને લાભ મળશે
આ નવી ઇમ્યુનાઇઝેશન અભિયાનથી 27 કરોડ લોકોને ફાયદો થશે, 12 હજારથી વધુ સરકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઇમ્યુનાઇઝેશન ઝડપી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, પરંતુ મેક્સ, એપોલો અને ફોર્ટિસ જેવી કેટલીક મોટી ખાનગી હોસ્પિટલો આ અભિયાનમાં જોડાશે નહીં.
વેક્સિનેશન પર ઊઠ્યા સવાલો
કોરોના રસીકરણના પ્રથમ ફેઝ શરૂ થયા બાદ વિપક્ષના કેટલાક લોકોએ રસી પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે વડાપ્રધાનને પોતે સૌથી પહેલા કોરોનાની રસી લેવી જોઈતી હતી. વિપક્ષે કહ્યું હતું કે કોવેક્સિનને ફેઝ-3ના ટ્રાયલ વિના જ ઈમર્જન્સી મંજૂરી આપવામાં આવી હતી. જો રસી એટલી વિશ્વસનીય છે તો સરકાર સાથે સંકળાયેલા લોકો એનો ડોઝ કેમ નથી લેતા?
દેશનાં 30 હજાર કેન્દ્રોમાં રસી આપવામાં આવશે
આજથી(સોમવાર) રસીકરણનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. આ તબક્કામાં 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા તથા 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને રસી અપાશે. આ માટે Co-WIN 2.0 પોર્ટલ પર અથવા આરોગ્ય સેતુ એપ પર જઈ નોંધણી કરાવી શકશે. નોંધણી માટે રસીકરણના કેન્દ્ર પર પણ જઈ શકાશે. દેશભરનાં 10 હજાર જેટલાં સરકારી કેન્દ્રો અને 20 હજાર જેટલી ખાનગી હોસ્પિટલનાં રસીકરણ કેન્દ્રમાં રસી આપવાની યોજના સરકારે અમલમાં મૂકી છે. સરકારી હોસ્પિટલમાં મફતમાં રસી મુકાશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં રસી માટે રૂ. 250 આપવા પડશે. દિલ્હીમાં 192 જેટલી સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં રસી અપાશે. કેરળમાં પણ 300 ખાનગી હોસ્પિટલમાં રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે.
સીએમ રૂપાણીનાં પત્ની પણ આજે વેક્સિન લેશે
સમગ્ર દેશની સાથે રાજ્યમાં પણ 45થી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા તથા 60 વર્ષથી વધુના સિનિયર સિટિઝનને રસી અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણી પણ સોમવારે એટલે આજે વેક્સિન લેશે. તેઓ ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલમાં સવારે 9 વાગે રસી મુકાવવા માટે પહોંચશે એવું સૂત્રોએ જણાવ્યું છે.