રાજય સરકારની આર્થિક સહાયની તમામ યોજનાઓ માટે આધાર અનિવાર્ય
ગાંધીનગર:
કેન્દ્ર સરકારની જેમ હવે ગુજરાત સરકાર પણ રાજ્યની તમામ સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવા જઇ રહી છે. આગામી વિધાનસભામાં આ માટેનું વિધેયક રજૂ કરાશે. સબસિડી અને આર્થિક સહાયની તમામ યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવાશે સાથે બેન્કીંગ વ્યવહારો અને પગાર-પેન્શન માટે પણ આધાર સીડિંગ ફરજિયાત બનશે. ગત વર્ષે કેન્દ્ર સરકારે આધાર બિલને મનીબિલ તરીકે લોકસભામાં પસાર કર્યું હતું. જેના પગલે કેન્દ્ર સરકારની મહત્તમ યોજનાઓ આધાર સાથે જોડાઇ છે, હવે આ જ પ્રકારે ગુજરાત સરકારની યોજનાઓ માટે રાજ્ય સરકાર વિધાનસભામાં આધાર બિલ રજૂ કરવા જઇ રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. રાજ્યમાં 91 ટકા લોકો આધાર કાર્ડ ધરાવે છે તેવો રાજ્ય સરકારે દાવો કર્યો છે, છતાં જે લોકો પાસેઆધાર કાર્ડ નથી તેમને સરકારી લાભ મળતો અટકે નહીં તેવો વિકલ્પ પણ ખુલ્લો રખાશે. આધાર બિલમાં જાહેર વિતરણ વ્યવસ્થા સહિત વિવિધ યોજનાઓ માટે જોગવાઇ ઉપરાંત આધાર કાર્ડના ડેટાની સલામતિ અંગે પણ જોગવાઇ થશે. બાયોમેટ્રીક અને બેન્ક એકાઉન્ટ સહિતની માહિતી લીક કરવા સામે કાયદાકીય પગલાં લેવાની જોગવાઇ કાયદામાં કરાશે.