ભારત દ્વારા કોવિડ-19 વેક્સિનની નિકાસનો વ્યાપ નહીં વધારાય. તેવી શક્યતા
આગામી થોડા મહિનાઓ સુધી ભારત કોવિડ-19 વેક્સિનની નિકાસનો વ્યાપ નહીં વધારે તેવી શક્યતા છે. કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા હોવાથી ભારતનું સંપૂર્ણ ધ્યાન પોતાની ઘરેલુ માંગ પૂરી કરવા પર કેન્દ્રિત થઈ ગયું છે. એક અધિકારીના કહેવા પ્રમાણે ભારત વિવિધ દેશો સાથે કરવામાં આવેલી પ્રતિબદ્ધતા પૂરી કરશે પરંતુ ઘરેલુ માંગને પહોંચી વળવા માટે આગામી થોડા મહિના માટે નિકાસ નહીં વધારે.
અધિકારીએ 2-3 મહિના બાદ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. ભારતે 20મી જાન્યુઆરીથી વિદેશમાં વેક્સિન પહોંચાડવાનું શરૂ કરી દીધું હતું. અત્યાર સુધીમાં ભારતે આશરે 80 જેટલા દેશોને વેક્સિનના 6 કરોડ 4 લાખ જેટલા ડોઝ મોકલ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પણ ગત સપ્તાહે રાજ્યસભામાં કહ્યું હતું કે, ભારત પોતાના દેશવાસીઓની કિંમતે વેક્સિનની નિકાસ નહીં કરે. તેમણે કહ્યું હતું કે, ભારત પોતાની જરૂરિયાતની વેક્સિન સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે પોતાની વિશ્વ પ્રત્યેની જવાબદારી નિભાવી રહ્યું છે.