ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી : 18 એપ્રિલે થશે મતદાન, નવું સીમાંકન કોને ફળશે અને કોને નડશે?
ગાંધીનગર :
ગાંધીનગર (Gandhinagar) મહાનગરપાલિકાની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચુક્યા છે. 18 એપ્રિલે મતદાન થશે. 20 એપ્રિલ જનતા કોના હાથમાં મનપાનું સુકાન સોંપ્યું છે એ સ્પષ્ટ થશે. જો કે હાર જીતમાં જેટલું મહત્વ રાજકીય પાર્ટીઓના ઉમેદવાર, રણનીતિ દાવપેચનું છે એટલું જ મહત્વ સીમાંકનનું છે વાત જો ગાંધીનગરની કરવામાં આવે તો કોર્પોરેશનની હદમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં આ વખતે ગાંધીનગરના 8 વોર્ડથી વધીને 11 વોર્ડ થયા છે. રાજકીય વિશ્લેષકોની વાત માનીએ તો સામાન્ય રીતે સીમાંકનનો ફાયદો સત્તાધારી પક્ષને થતો હોય છે. છેલ્લી ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ભાજપ અને કૉંગ્રેસના કુલ 8 વૉર્ડમાં 16-16 ઉમેદવારોની જીત થઈ હતી. જો કે કોર્પોરેશનમાં પેનલનું બહુ મહત્વ હોય છે, ત્યારે ગાંધીનગરમાં વોર્ડ નંબર 2, 5, 7 માં ભાજપનું વ્હાઈટ વોશ થઈ ગયું હતું એટલે કે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસની પેનલનોએ વોર્ડમાં વિજય થયો હતો સાથે જ વોર્ડ 6, 8 માં ભજપની પેનલ તૂટી હતી. એવી જ રીતે ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 1, 3, 4 માં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા. જ્યારે વોર્ડ 6 અને 8 માં પેનલ કોંગ્રેસની પણ તૂટી હતી.
હવે જો નવા સીમાંકનની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 2, 5, 7 માં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. પેથાપુરથી માંડીને વાવોલ, કોલાવડા સુધીના વિસ્તારોનો સમાવેશ કરાયો છે, તેમજ આંતરિક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 9, 10, 11 નવા બનાવાયા છે, જેમાં ઝુંડાલથી માંડીને ખોરજ, કોબા, ન્યુ ઈન્ફોસિટીનો સમાવેશ થાય છે, આ વિસ્તારો મોટાભાગે વિકસિત તેમજ સત્તા પક્ષ સાથે રહેનાર મતદાતાઓના વર્ગ વાળો છે, ત્યારે ચૂંટણી દરમ્યાન બદલાયેલા સીમાંકન પરિણામ પર અસર કરી શકે એવું એક ફેક્ટર ગણી શકાય,
નજર કરીએ ગાંધીનગરના નવા સીમાંકન પર
વોર્ડ 1: સેક્ટર 25, 24 અને રાંધેજા
વોર્ડ 2: પેથાપુર, જીઈબી કોલોની, આદીવાડા, ચરેડી
વોર્ડ 3: સેક્ટર 27 અને 28
વોર્ડ 4: પાલજ, ધોળાકુવા, ઈન્દ્રોડા, સેકટર 20નો અમુક ભાગ અને બોરીજ
વોર્ડ 5: સેક્ટર 9, 10, 18, 19, 20, 21, 22, 23 અને 30
વોર્ડ 6: સેક્ટર 14, 15, 16, 17, 11, 12, 13 વાવોલ, કુબેરનગર અને આસપાસનો વિસ્તાર ગોકુલપુરા
વોર્ડ 7: વાવ ગામ, ટીપી 26 વિસ્તાર અને કોલવડા
વોર્ડ 8: વાસણા, હડમતિયા, ટીપી 9, સેક્ટર 4 અને 5 સરગાસણ ગામ, પોર અને અંબાપુર
વોર્ડ 9: કુડાસણ, સેક્ટર-3, સેક્ટર 3 ન્યુ, સેક્ટર 4, અને ટીપી 6ના ધોળાકુવા વિસ્તાર
વોર્ડ 10: સેક્ટર 6, 7, 8 અને 1 રાંદેસણ, રાયસણ, કોબા, કુડાસણ ગામનો કેટલોક ભાગ અને p5નો ધોળાકુવા તથા ઈન્દ્રોડાનો વિસ્તાર
વોર્ડ 11: ખોડજ, ભાટ, કોટેશ્વર, નભોઈ, અમીયાપુર, સુઘડ અને ઝુંડાલ
જો કે સીમાંકન જ્યારે જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે સત્તાધારી પક્ષ દ્વારા તેને આવકારવા આવ્યું હતું તો વિરોધ પક્ષે તેને અયોગ્ય ગણાવ્યું હતું. ત્યારે જોવાનું એ છે કે ‘ગણતરી’ પૂર્વકનું સીમાંકન કોના ગણિત બગાડશે અને કોના સુધારશે.