ગાંધીનગરની ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ એમેચ્યોર રેડિયો (GIAR) હીલટોપ કન્ટેન્સ્ટમાં ભારતમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું
ગાંધીનગર :
એમેચ્યોર રેડિયો સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા દર વર્ષે ફેબ્રુઆરી માસની ૨૭ અને ૨૮ તારીખે હીલટોપ કન્ટેન્સ્ટ યોજાય છે. આ સ્પર્ધામાં ભારતના જુદા જુદા રાજ્યોની હેમ રેડિયોની ટીમ તેમના પ્રદેશના કોઈ પર્વત/ડુંગર પર જઈ હેમ રેડીયો સ્ટેશન ઉભું કરી દેશ/વિદેશના હેમ રેડીયો સ્ટેશન સાથે સંપર્ક કરતા હોય છે. આ સ્પર્ધામાં જુદા જુદા રાજ્યોની ૪૨ જેટલી હેમ રેડીયો ક્લબ/ટીમો એ ભાગ લીધો હતો.
ગાંધીનગર ખાતે સેક્ટર-૨૩, ખાતે આવેલ ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ એમેચ્યોર રેડિયો સંસ્થાની ટીમે ભાગ લીધો હતો જેમાં સમગ્ર દેશમાંથી ગાંધીનગરની ટીમે સૌથી વધુ રેડીયો સંપર્કો કરવામાં બીજું સ્થાન મેળવ્યું હતું.
GIAR ના મંત્રી શ્રી પ્રવીણભાઈ વલેરા ના માર્ગદર્શન નીચે ભાવનગર જિલ્લાના પાલીતાણા પર્વતની બાજુમાં આવેલ હસ્તગીરી પર્વત પર હેમ રેડીયોની ટીમે ૨૭ અને ૨૮ ફેબ્રુઆરીએ સ્ટેશન ઉભુ કરીને દેશ-વિદેશમાં રેડીયો દ્વારા સંપર્કો કર્યા હતા. GIAR ના જનરલ સેક્રેટરી જે.જી. પંડયા, નિસર્ગ સાયન્સ સેન્ટરના ડો.અનીલ પટેલ, નાનુભાઈ નાડોદા, રાજકોટથી ધનુભા, ભોગીલાલ ગોડલીયા, ધવલ ગોડલીયા અને ભાવનગરના અનુપસિંહ ગોહિલે ભાગ લીધેલ. હીલટોપ કન્ટેન્સ્ટનો ઉદેશ એ છે કે જયારે પણ કોઈ પણ સ્થળે કુદરતી આપત્તિ આવે ત્યારે દેશ-વિદેશમાં ક્યા સ્થળેથી વધુ સંપર્કો થઇ શકે તેવા સ્થળ નક્કી કરવાનો હોય છે. જે તે રાજ્ય અને શહેરની હેમ રેડીયોની ટીમો નજીકના પર્વતો પર જઈ સ્ટેશન લગાવી સંપર્કો કરતા હોય છે આ માહિતીના આધારે જ્યારે પણ આકસ્મિક જરૂર પડે તો આવા ઊંચા સ્થળે તાત્કાલિક સ્ટેશન ઉભુ કરીને રેડીયો મારફતે વાતચીત કરી શકાય.
સૌથી વધુ 3048 પોઈન્ટ સાથે દક્ષિણ ભારતનું સ્ટેશન પ્રથમ સ્થાને રહ્યું હતું જયારે 2355 પોઈન્ટ સાથે ગાંધીનગરની ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ એમેચ્યોર રેડિયોએ બીજું સ્થાન મેળવ્યું હતું . GIAR ના ચેરમેન એસ.કે. નંદા તથા વાઈસ ચેરમેન શ્રી ઈ.રાધાકૃષ્ણને હીલટોપ ની ટીમ અને GIAR ના સભ્યોને અભિનંદન પાઠવ્યા છે.