1 April થી કઈ કઈ વસ્તુઓ થશે મોંઘી, જાણો..
પહેલી એપ્રિલથી ટીવી ખરીદવું તમને મોંઘુ પડશે. છેલ્લા 8 મહિનામાં જ ટીવીની કિંમતમાં 3થી 4 હજારનો વધારો થયો છે. ટીવી મેન્યુફેક્ચરર્સે ટીવીને પણ PLI સ્કીમ્સમાં લાવવાની માગ મૂકી છે. 1 એપ્રિલ 2021થી TVની કિંમતમાં ઓછામાં ઓછો 2થી 3 ટકાનો વધારો થશે.
દૂધની કિંમતમાં પણ વધારો થઈ શકે છે. ખેડૂતોએ કહ્યું છે કે, દૂધની કિંમતમાં 3 રૂપિયાનો વધારા થઈને 49 રૂપિયા પ્રતિ લિટર થશે. 1 એપ્રિલથી દૂધની નવી કિંમત લાગૂ થઈ જશે. જો કે, ખેડૂતોએ એવી પણ ચેતવણી આપી છે કે દૂધની કિંમત પ્રતિ લિટર 55 રૂપિયા કરી દેવાશે. આવતીકાલ એટલે કે 1 એપ્રિલથી દૂધ 49 રૂપિયા પ્રતિ લિટરે મળશે. એવામાં ઘી, પનીર અને દૂધ-દહીં પણ મોંઘા થશે.
બિહારના લોકોને 1 એપ્રિલથી વીજળીનું વધારે બિલ ચૂકવવું પડશે. વીજળી વિભાગ મુજબ સાઉથ અને નોર્થ બિહાર પાવર ડિસ્ટ્રીબ્યૂશન કંપનીએ વીજળી દરમાં 9થી 10 ટકાનો વધારો કર્યો છે.
હવાઈ મુસાફરીમાં હવે તમારા ખિસ્સાં ખાલી થવાના છે. કેમ કે, સરકારે ઘરેલૂ ઉડાનો માટેની કિંમતમાં 5 ટકાનો વધારો કરવાનું નક્કી કર્યું છે. 1 એપ્રિલ એવિએશન સિક્યોરિટી ફીસ એટલે કે એએસએફ પણ વધવાની છે. 1 એપ્રિલથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે એવિએશન સિક્યોરિટી ફી 200 રૂપિયા થશે. હાલ જે 160 રૂપિયા છે. જ્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે ફી 5.2 ડોલરથી વધીને 12 ડોલર થઈ જશે.
આગરા-લખનઉ એક્સપ્રેસ પર સફર કરવું વધુ મોંઘુ થશે. ઉત્તર પ્રદેશ એક્સપ્રેસ-વે ઓદ્યોગિક વિકાસ ઓથોરિટી બોર્ડે વર્ષ 2021-22 માટે નવા ભાવોને મંજૂરી આપી છે. જેમાં ઓછામાં ઓછા 5 રૂપિયા અને વધુમાં વધુ 25 રૂપિયાનો વધારો થશે.
મારુતિ, નિસાન જેવી કંપનીઓએ કારની કિંમતોમાં વધારો કરવાનું એલાન કર્યું છે. 1 એપ્રિલથી આ કંપનીઓની કાર મોંઘી થવાની છે. જો કે, કારની કિંમતમાં કેટલો વધારો થશે તેની જાણકારી આપી નથી. કાર કંપનીઓનું કહેવું છે કે, છેલ્લા ઘણા સમયથી તેમને મોંઘા કાચા માલનો માર પડી રહ્યો હતો, પરંતુ હવે આ મોંઘવારીનો મારો તેમને ગ્રાહકો પર નાખવાનું નક્કી કર્યું છે.
આ વર્ષે ગરમીમાં એસી કે ફ્રીઝ ખરીદવું મોંઘુ પડશે. 1 એપ્રિલથી ACની કિંમતમાં વધારો કરવાનું કંપનીઓએ નક્કી કર્યું છે. કંપનીઓએ કાચા માલની કિંમતમાં થઈ રહેલો વધારો જોઈને એસીની કિંમત વધારવાનું નક્કી કર્યું છે. AC બનાવતી કંપનીઓની કિંમતમાં 4થી 6 ટકાનો વધારો કરાશે. એટલે કે પ્રતિ યૂનિટ એસીની કિંમતમાં 1500થી 2000નો વધારો નોંધાશે.