ગુજરાત

હજુ નહિ જાગીએ તો 2030 સુધીમાં ગુજરાતની ધરતી અને ગુજરાતીઓના હોઠ તરસથી તરડાઈ રહ્યા હશે

ચાર મહિનાનું ચોમાસું, વરસાદના દિવસ અડધાથીય ઓછા
વરસાદનાં પ્રમાણ, ભૂતળના પ્રકાર અને જળસંગ્રહની યોગ્યતાની દૃષ્ટિએ ગુજરાતને ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને કમનસીબી એ છે કે ગુજરાતના ચારેય ઝોન વરસાદ તેમજ જળસંચયની સરખામણીએ પાણીના વપરાશની બહુ મોટી ખાધ ધરાવે છે. કહેવા માટે તો ચોમાસાના ચાર મહિના હોય છે, પરંતુ ગુજરાતમાં ચાર મહિના પૈકી વરસાદી દિવસોની કુલ સંખ્યા બે મહિનાથીય ઓછી હોય છે. સૌથી વધુ વરસાદી દિવસો અને વરસાદ ધરાવતો વિસ્તાર દક્ષિણ-મધ્ય ગુજરાત છે, જ્યારે સૌથી ઓછા વરસાદી દિવસો અને વરસાદ ધરાવતો વિસ્તાર કચ્છ છે.

  • દક્ષિણ-મધ્યઃ કુલ 51 વરસાદી દિવસોમાં સરેરાશ 1448 મીમી વરસાદ પડે છે.
  • ઉત્તર ગુજરાતઃ કુલ 31 વરસાદી દિવસોમાં સરેરાશ 805 મીમી વરસાદ પડે છે.
  • સૌરાષ્ટ્રઃ કુલ 27 વરસાદી દિવસોમાં 594 મીમી વરસાદની સરેરાશ રહે છે.
  • કચ્છઃ માત્ર 15 વરસાદી દિવસ ધરાવતા કચ્છમાં સરેરાશ 330 મીમી વરસાદ પડે છે.

દસ વર્ષ પછી ગુજરાતની તરસ વકરવાની છે
ગુજરાતમાં જેમ વરસાદ પડવાનું પ્રમાણ ભૌગોલિક વિભાજન મુજબ અલગ છે, એ જ રીતે પાણીની આવશ્યકતા પણ અલગ છે. દક્ષિણ-મધ્ય ગુજરાતને બાદ કરતાં બાકીનાં વિસ્તારમાં પાણીની અછત કાયમી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી પાણીની આવક જરૂરિયાત કરતાં વધુ છે માટે અહીં પાણીનો સરપ્લસ જથ્થો રહે છે. તેની સામે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવક અને જરૂરિયાતનો ટાંગામેળ થતો નથી. સરવાળે સમગ્ર ગુજરાતમાં 2000 મિલિયન ક્યુબિક મીટર (MCM)જેટલી પાણીની દર વર્ષે અછત સર્જાય છે.
હાલ દક્ષિણ-મધ્ય ગુજરાતમાં પાણીનો સરપ્લસ જથ્થો 10,360 MCM છે, પરંતુ આ વિસ્તારમાં અમદાવાદ, સુરત અને વડોદરા એવાં ત્રણ મહાનગરો પણ છે, જ્યાં વસતિ સતત વધતી જાય છે. ગુજરાત સૌથી ઝડપી શહેરીકરણ ધરાવતું દેશનું ત્રીજા ક્રમનું રાજ્ય છે. 2030 સુધીમાં ગુજરાતની 4.8 કરોડ વસતિ એટલે કે 66 ટકા વસતિ શહેરોમાં રહેતી હશે (સંદર્ભઃ મેક્કિન્સી ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બનાઇઝેશનનો 2010નો અહેવાલ). પરિણામે, હાલ જ્યાં સરપ્લસ જથ્થો છે એ પણ આવતાં દસ વર્ષમાં અપૂરતો સાબિત થવાનો છે. એ વખતે ગુજરાતનું જળસંકટ ભયંકર બનવાની આગાહી નિષ્ણાતો કરી રહ્યા છે.

ગુજરાતમાં જળસંચય છે, પરંતુ…
ગુજરાતમાં જળાશયો ડેમ સંખ્યા અને જળસંચયની ક્ષમતાની દૃષ્ટિએ પૂરતાં છે, પરંતુ તેમ છતાં પાણીની જરૂરિયાત સંતોષવા માટે અપૂરતાં સાબિત થાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતના કુલ 204 પૈકી 50 ટકા ડેમ ચોમાસા દરમિયાન ઓવરફ્લો થયા છે અને તમામ ડેમની કુલ જળસંગ્રહક્ષમતાના 70 ટકા જેટલું પાણી (વર્ષ 2018ને બાદ કરતાં) સંગ્રહાયું હતું. આમ છતાં પ્રત્યેક વર્ષે પાણીની કટોકટી યથાવત્ રહી છે. ગુજરાતની પાણીની વાર્ષિક જરૂરિયાત આશરે 44,000 MCM જેટલી છે. એની સામે ગુજરાતના કુલ 204 ડેમની જળસંગ્રહક્ષમતા 15,773 MCM જેટલી છે. આ ઉપરાંત નર્મદા ડેમ ગુજરાતની સૌથી મોટી જીવાદોરી છે, જેની વોટર સ્ટોરેજ કેપેસિટી 5,846 MCM છે. નર્મદા કેનાલના માધ્યમથી છેક કચ્છ સુધી પાણી પહોંચાડવાના પ્રયાસો સફળ તો થયા છે, પણ એનાથી અપેક્ષા મુજબ ગુજરાતની તરસ હજુ સુધી છિપાઈ શકી નથી.

જળસંયય નિષ્ણાતો, કર્મશીલોના મતે…
મોટા ભાગના નિષ્ણાતોના મતે, વોટર મેનેજમેન્ટમાં એન્જિનિયરિંગ, એગ્રો-ઈકનોમિક્સ અને જ્યોગ્રાફી એમ બહુ બધી શાખાઓનું જ્ઞાન હોવું જરૂરી છે; કમનસીબે એ સંતુલન જળવાતું નથી. પરિણામે, જળસંચયના પ્રયાસો કાયમ અપૂરતા જ સાબિત થાય છે. નર્મદાનું પાણી મધ્ય ગુજરાત અને કડી થઈ સૌરાષ્ટ્રમાં જાય, એ 92 મીટર પમ્પિંગ કરી રાજકોટ પહોંચાડે. રકાબી જેવા આજી ડેમમાંથી પાણીનું બાષ્પીભવન થઈને ઊડી જવાની ક્ષમતા ગુજરાતમાં સૌથી વધારે છે, એમાં આ પાણી નાખીએ એટલે લગભગ 40થી 50 ટકા પાણીનું બાષ્પીભવન થઈ જાય છે. આ ભયંકર વેડફાટ થયો ગણાય.
દરેક ગામ પોતાના હિસ્સામાં આવતા વરસાદનું પાણી સંગ્રહ કરવાની કોશિશ કરે તો એકેય ગામને કદી પણ પાણીની તંગી ન પડે એવો અમારો ખુદનો અનુભવ છે. મોટા ચેકડેમ શક્ય ન હોય તો નાની જળ તલાવડીનો વિકલ્પ પણ એટલો જ કારગત છે. દરેક ગામ પોતાના સીમાડે 4થી 10 જળતલાવડી બાંધે અને ત્યાં જળસંગ્રહ કરે તોપણ 5000ની વસતિ ધરાવતા ગામને આખા વર્ષનો જળસંચય થઈ શકે.
– પરસોતમ સિદપરા (ચેકડેમ થકી જળક્રાંતિ સર્જનાર જામકા (જિ. જૂનાગઢ)ના પૂર્વ સરપંચ
પાણી બચાવવા અંગે પ્રજામાં સ્વયંભૂ જાગૃતિ નથી ત્યારે સરકારે નિયમો ઘડીને અને એના કડક પાલન વડે લોકજાગૃતિ લાવવી પડે. બિલ્ડિંગો બાંધવામાં અનેક નિયમો છે, એમાં હવે ફરજિયાત રેઈન વોટર હાર્વેસ્ટિંગનો નિયમ પણ લાગુ કરવો જોઈએ. ડોમેસ્ટિક વપરાશ માટે પાણીના ઉપયોગનું રેશનિંગ લાગુ થાય અને એથી વધુ વપરાશ પર બિલ ચૂકવવું પડે એવો નિયમ પણ જરૂરી છે. ભૂગર્ભ જળ બચાવવા માટે બોરિંગ કેટલું ઊંડું કરવું, ભૂગર્ભ જળનો વપરાશ કેવી રીતે સંયમિત કરવો એ વિશે પણ કોઈ નિયમો ન હોવાથી ખેડૂતો મનફાવે એમ ભૂગર્ભ જળ ઉલેચતા રહે છે; એમાં પણ ફેરફાર જરૂરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x