દાહોદમાં ફૂડ પોઈઝનિંગ: 50થી વધુ વિદ્યાર્થિનીઓ બીમાર
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. વરસાદી માહોલ વચ્ચે રોગચાળાની સંભાવનાઓ વધી રહી છે, ત્યારે આ ઘટનાએ ચિંતા જગાવી છે. શાળાની 56 જેટલી વિદ્યાર્થિનીઓને રાત્રિ ભોજનમાં કઢી-ખાચડી અને શાક-રોટલી જમ્યા બાદ ઉલટી, ચક્કર અને પેટમાં દુખાવાની ફરિયાદ થવા લાગી હતી.
તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને લીમખેડા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ તમામની હાલત સ્થિર હોવાનું અને સમયસર સારવાર મળતા કોઈ ગંભીર પરિસ્થિતિ ન સર્જાયાનું તબીબોએ જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ મામલતદાર, પ્રાંત અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ શાળાએ દોડી આવ્યા હતા. દાહોદ ફૂડ વિભાગે ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. શાળામાં પીરસાયેલા ભોજનની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે.