પાટનગરમાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું
ગાંધીનગર:
રાજ્યના પાટનગરમાં ઉનાળાની ગરમી આકરી બની રહી હોય તેવા વાતાવરણનો છેલ્લા બે-ત્રણ દિવસથી નગરજનોને સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ સિઝનની સૌથી વધુ ગરમીનો અહેસાસ મંગળવારે થયો હતો. તો બીજી તરફ સવારના તાપમાનમાં પણ વધારો નોંધાતાં તેની અસર સમગ્ર દિવસ દરમિયાન અનુભવવા મળી હતી. ત્યારે લઘુત્તમ તાપમાન વધારા સાથે ૨૨.૫ ડિગ્રી જ્યારે મહત્તમ ૪૧ ડિગ્રીએ આવીને અટક્યું હતું.
દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ બાદ ઉનાળાની મોસમનો ધીમી ગતિએ પ્રારંભ થતો હોય છે. ત્યારે આ વર્ષે આબોહવામાં જે પ્રકારે પરિવર્તન આવ્યું છે. તેના પગલે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં પણ આંશિક વધઘટ નોંધાઇ રહી છે અને બેવડી મોસમનો સામનો પણ નગરજનો કરી રહ્યાં છે. ત્યારે મંગળવારે અચાનક જ લઘુત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાતાં આક્રમક ગરમીનો સામનો દિવસ દરમિયાન લોકોને કરવો પડયો હતો. હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં આક્રમક ગરમીનો સામનો લોકોને કરવો પડશે તો હિટવેવની સંભાવના પણ કરાઇ છે. આમ હિટવેવની અસર વચ્ચે રાજ્યના હરિયાળા પાટનગરમાં અચાનક જ ગરમીના પારામાં વધારો નોંધાતાં મંગળવારે મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીએ આવીને અકટયું હતું. તો બીજી તરફ લઘુત્તમ તાપમાન ૨૨.૫ ડિગ્રીએ પહોંચ્યું હતું. તો ભેજના પ્રમાણમાં ઘટાડો નોંધાવાની સાથે સાથે દિવસ દરમિયાન ગરમ પવનો ફુંકાવાના પગલે નગરજનો પણ ગરમીમાં આકુળવ્યાકુળ થઇ ગયા હતા. આમ અચાનક ગરમીમાં વધારો નોંધાતા તેની અસર શહેરના જનજીવન ઉપર પણ જોવા મળી હતી.
ત્યારે ગરમી સામે રક્ષણ મળી શકે તે માટે નગરજનો તેમજ અવર જવર કરતાં વાહનચાલકોએ પણ મોઢા ઉપર બુકાની બાંધીને પસાર થતાં નજરે પડયા હતા તો ગરમીમાં થઇ રહેલા વધારાના પગલે વીજ માંગમાં પણ વધારો નોંધાયો છે.