રાજકોટમાં કલેકટર અને IMA વચ્ચે ફરી બેઠક, IMAના પૂર્વ પ્રમુખે કહ્યું- રોજના 20થી 30 બાળક કોરોના સંક્રમિત થાય છે
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે ફરી વખત જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના હોદ્દેદારો વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને નર્સિંગ હોમમાં સારવાર આપી શકાય કે કેમ તે બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જે સંદર્ભે મીડિયાને નિવેદન આપતા IMAના પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે, રાજકોટમાં રોજના 20થી 30 બાળકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે.
4 નવી હોસ્પિટલ શરુ કરવામાં આવશે
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના હોદ્દેદારોએ આ બાબતની તૈયારી બતાવતાં આજ સાંજ સુધીમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને નર્સિંગ હોમમાં પણ સારવાર માટેની મંજૂરી આપી દેવામાં આવશે. રાજકોટમાં 19 જેટલી દર્દીઓને સારવાર આપતી ઓક્સી વિભાગ તેમજ વેન્ટિલેટર ધરાવતી ખાનગી હોસ્પિટલો કાર્યરત છે. જેમાં વધારો કરી આગામી દિવસોમાં વધુ 4 નવી હોસ્પિટલ શરુ કરવામાં આવશે જે માટે વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.
રોજના 20થી 30 બાળકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે
આ સાથે રાજકોટ IMAના પૂર્વ પ્રમુખ જય ધીરવાણી મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, રોજના 20થી 30 બાળકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. કોરોનાની પ્રથમ લહેરમાં પ્રમાણમાં ઓછા બાળકો સંક્રમિત થતાં હતાં. પરંતુ હાલ બાળકોમાં પણ કોરોનાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. જેમાં બાળકોમાં પેટને લગતા લક્ષણો જોવા મળી રહ્યાં છે અને કોમોર્બિડીટી બાળકોમાં વધુ ચિંતા રહે છે તેમજ કોમોર્બિડીટી વગરના બાળકો ચારથી પાંચ દિવસમાં સ્વસ્થ થઈ જાય છે. જે સારી બાબત છે.
રાજકોટ ગ્રામ્યમાં કોરોના સંક્રમણ વધ્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ શહેરી વિસ્તારમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. જેમાં ચૂંટણી અને બાદમાં હોળી-ધુળેટીના પર્વ પછી એકાએક કોરોના પિક પોઇન્ટ પર નોંધાયો છે. શહેરી વિસ્તાર બાદ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પછી ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાની એન્ટ્રી જોવા મળી રહી છે. રાજકોટ ગ્રામ્યમાં 4 મહિના બાદ સૌથી વધુ 64 કેસ ગઇકાલે નોંધાયા હતા. અને છેલ્લા 11 દિવસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતાવાર સરકારી આંક મુજબ 453 પર પહોંચ્યો છે. જેમાં સૌથી વધુ કેસ જસદણ અને ધોરાજી તાલુકામાં નોંધાયા છે.