આ ૧૧ રાજ્યોમાં આવી શકે છે લોકડાઉન, મોદી સરકારે લઈ લીધો છે આ મોટો નિર્ણય
નવી દિલ્હી :
દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે નરેન્દ્ર મોદી ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં મોદી દેશમાં કોરોનાના કેસો સૌથી વધારે છે એવાં ૧૧ રાજ્યોમાં પાંચ દિવસનું લોકડાઉન લાદવા મુદ્દે ચર્ચા કરશે એવું સૂત્રોનું કહેવું છે. આ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલ, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.
ગુડી પડવો-ચેટી ચાંદની ૧૩ એપ્રિલે જ્યારે ૧૪ એપ્રિલે ડો. બાબાસાહેબ આંબેડકર જ્યંતિની રજા છે. સોમવારે કામનો દિવસ છે પણ શનિવાર અને રવિવારે રજા છે તેથી સોમવારને સાથે લઈને પાંચ દિવસનું લોકડાઉન લાદી દેવાય તો આ રાજ્યોમાં કોરોનાનો ચેપ ફેલાતો રોકવામાં મોટી મદદ મળશે એવો અભિપ્રાય આરોગ્ય નિષ્ણાતોએ આપ્યો છે. મોદી આ મત સાથે સંમત છે તેથી મુખ્યમંત્રીઓ સંમત થશે તો આ નિર્ણય લેવાશે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને આ ૧૧ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરી તેમાં તેમને પાંચ દિવસના લોકડાઉન માટેની તૈયારી કરવા કહી જ દેવાયું છે.
ભારતમાં કોરોનાની લહેર વાવાઝોડાની ગતિએ આગળ વધી રહી છે અને છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક્માં 1 લાખ 15 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જે કોરોના મહામારીની શરૂઆતી દૈનિક નોંધાતા કેસનો સૌથી વધુ આંકડો છે. 24 કલાકમાં દેશમાં 630 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. ગત રવિવારે પણ કોરોના કેસની સંખ્યા એક લાખને પાર થઈ હતી અને આજે ફરી એક લાખને પાર કોરોના કેસ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 27 લાખને પાર થઈ છે. દેશમાં આઠ લાખથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં બેકાબૂ બનતા જતા કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલના તમામ રેકોર્ડ તૂટ્યા છે. મંગળવારે સિવિલમાં ઓપીડીમાં 600 જેટલા દર્દીઓ આવ્યા છે. જે પૈકી ઇમરજન્સીમાં 259 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. બારસો બેડની હોસ્પિટલમાં અત્યારે 887 દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ બારસો બેડની હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી મધર એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ બંધ કરી તેને જૂની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યારે કે મંજુશ્રી કિડની હોસ્પિટલમાં 400 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કેર વધતો જોવા મળી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 770 પોઝિટિવ કેસ દાખલ થયા છે. રાજકોટ, બાદ જામગર, મોરબી અને ભાવનગરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. માત્ર રાજકોટ શહેર અને જિલ્લામા જ 385 પોઝિટિવ કેસ દાખલ થયા છે. સવારથી રાજકોટની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ અને દર્દીના પરિવારજનો ઉમટી પડતા હોય છે.