ગુજરાત

કોરોનાના દર્દીઓ માટે જગ્યા કરવા ઓક્સિજન પર રહેલાં બાળકોને ‘મન ફાવે તેમ’ એમ્બ્યુલન્સમાં ભરી બીજા વોર્ડમાં જવાની ફરજ પાડી

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી અસારવા સિવિલનું તંત્ર અત્યારે ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવી સ્થિતિમાં છે. છેલ્લા 15થી 20 દિવસથી શહેરમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો થઈ રહ્યો છે. એકસાથે આખેઆખા પરિવાર કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, ગયા વર્ષ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે છતાં સરકાર ઊંઘતી રહી અને સ્થિતિ કાબૂ બહાર ગઈ ત્યારે 1200 બેડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં બાળકોને ભરતડકામાં બીજા વોર્ડમાં ખસેડી દીધાં.

એક એમ્બ્યુલન્સમાં 7થી 8 લોકો
કેટલાંક બાળકો તો ઓક્સિજન પર હતાં, તેમને સ્ટ્રેચર પર એમ્બુલન્સથી અન્ય વોર્ડમાં શિફ્ટ કર્યાં. એક એમ્બુલન્સમાં બાળકો સહિત સાતથી આઠ લોકો લઈ જવાયાં હતાં. 1200 બેડ હોસ્પિટલમાં થોડા સમય માટે ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગ શરૂ કરાયો હતો, પરંતુ કોરોનાના કેસોમાં ઉછાળો થતાં તેને ફરી કોવિડમાં ફેરવી દેવાઈ હતી.

સાંજની ઓપીડી બંધ: સિવિલ હોસ્પિટલમાં બુધવારે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ: બીજી તરફ, કોવિડ ડ્યૂટી કરનારા ડોક્ટર્સ માનદ વેતનની માગ સાથે હડતાળ પર ઊતર્યા હતા. જોકે મોડી સાંજે સમાધાન થતાં હડતાળ સમેટાઈ ગઈ હતી.

SVPમાં તબક્કાવાર 500 બેડ વધારાશે
શહેરની એસવીપી હોસ્પિટલમાં હવે તબક્કાવાર રીતે 500 બેડ વધારવામાં આવશે. હાલ જે બેડ નોન- કોવિડ છે એ ખાલી થતાં જ એ બેડને કોરોના બેડમાં ફેરવવામાં આવશે. એ સાથે એસવીપી હોસ્પિટલ લગભગ કોવિડ કેર હોસ્પિટલ બની જશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x