રાષ્ટ્રીય

સૂર્યનો સીધો તડકો ઝીલતાં દેશોમાં કોરોનાથી મૃત્યુદર ઓછો

નવી દિલ્હી :
બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ એક રસપ્રદ તારણ રજૂ કર્યું હતું. બ્રિટિશ જર્નલ ઓફ ડર્મિટોલોજીમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલ પ્રમાણે જ્યાં સૂર્યનો સીધો તડકો પડે છે ત્યાં કોરોનાથી મૃત્યુદર નીચો રહ્યો હતો. ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણોનું પ્રમાણ વધારે નોંધાયું હતું એ વિસ્તારોમાં કોરોનાથી મૃત્યુદર ઓછો હતો.
એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ જાન્યુઆરી-૨૦૨૦થી એપ્રિલ-૨૦૨૦ દરમિયાન નોંધાયેલા કેસોને ધ્યાનમાં લીધા હતા. અમેરિકા ખંડના ૨૪૭૪ વિસ્તારો પર અભ્યાસ હાથ ધરાયો હતો. જે વિસ્તારોમાં સૂર્યના સીધા કિરણો પડતાં હતાં ત્યાં કોરોનાના કારણે મૃત્યુ ઓછા થયા હતા. જ્યાં અલ્ટ્રાવાયોલેટ કિરણો બહુ ઓછા મળતાં હતાં એ વિસ્તારોમાં મૃત્યુદર ઊંચો નોંધાયો હતો.
સંશોધકોએ આ જ તર્જ ઉપર ઈટાલી-બ્રિટન-સ્પેન જેવા દેશોમાં કે જ્યાં ગયા વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યાંના વિવિધ પ્રદેશોના મૃત્યુઆંકના અને કોરોના સંક્રમણના આંકડાનો અભ્યાસ કર્યો હતો. એમાં પણ આ જ તારણ નીકળ્યું હતું. અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધાં ઝીલાતાં હતા એ વિસ્તારોમાં મૃત્યુદર પ્રમાણમાં ઓછો જોવા મળ્યો હતો.
અહેવાલમાં દાવો થયો હતો કે વધારે અલ્ટ્રાવાયોલેટ ધરાવતા વિસ્તારોમાં રહેતાં લોકો પર ૯૫ ટકા સુધી કોરોનાથી મૃત્યુનો ખતરો ઘટી જતો હતો. કોરોનાને સૂર્યપ્રકાશ સાથે સંબંધ છે એવું સાબિત કરતો આ પ્રથમ વ્યવસ્થિત અહેવાલ છે.
અગાઉ આ જ યુનિવર્સિટીના સંશોધકોએ સૂર્યપ્રકાશ અને બ્લડપ્રેશર, હાર્ટએટેકને સંબંધો હોવાનું સાબિત કર્યું હતું. જ્યાં સૂર્યપ્રકાશ વધુ મળતો હતો એવા વિસ્તારમાં રહેતાં લોકોને હાર્ટએટેક અને બ્લડપ્રેશરનો ખતરો પ્રમાણમાં ઓછો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x