ગાંધીનગર

ગાંધીનગરમાં કોરોનાએ હાહાકાર મચાવતાં ગ્રામ્ય વિસ્તારોના વધુ ત્રણ ગામમાં સ્વયંભૂ લોકડાઉન

ગાંધીનગરના શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વકરતાં લવારપુર ખોરજ બાદ ચિલોડા મધરા તથા અડાલજ ગ્રામ પંચાયત દ્વારા સ્વયંભૂ લોકડાઉનનાં આદેશો કરી દેવામાં આવ્યાં છે. જેમાં અડાલજ ગ્રામ પંચાયતે બપોરના એક વાગ્યા પછી સ્વયંભૂ લોકડાઉન કરવા વેપારીઓને અપીલ કરી છે.

કોરોનાની નવી લહેરે આ વખતે ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ હાહાકાર મચાવી દીધો છે. ખોરજ ગામમાં 200 જેટલા કેસ આવતાં સ્વયંભૂ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત લવારપુર પંચાયત દ્વારા પણ ગામમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે મોટા જીવડા ગ્રામ પંચાયત દ્વારા સતત વધી રહેલા કેસના પગલે મીની લોકડાઉનના આદેશો આપી દેવામાં આવ્યા છે. જેમાં તમામ દુકાન વાળા સહિતના બજાર સવારે સાતથી બપોરના બે વાગ્યા સુધી ચાલુ રાખવા અને ગ્રામજનોને ટોળે વળવાનું બંધ કરી કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જેમાં 10 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ગ્રાહકોને સ્વૈચ્છિક રીતે લોકડાઉનનું પાલન કરવા પંચાયત દ્વારા કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત મહેન્દ્રા ગામે પણ વેપાર-ધંધા સવારે સાતથી બપોરે એક તેમજ સાંજે પાંચથી આઠ દરમિયાન જ ચાલુ રાખવા પંચાયત દ્વારા આદેશો જારી કરી દેવાયા છે. આ મીની લોકડાઉન 23 એપ્રિલ સુધી લાગુ કરી દેવામાં આવ્યું છે. જેમાં ગામમાં બહારથી આવતા નાગરિકો માટે પ્રવેશ બંધ પણ કરી દેવામાં આવ્યો છે. ફરજિયાત માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા પણ ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે. ત્યારે હવે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં એક પછી એક સ્વયંભૂ લોકડાઉન થઇ રહ્યું છે.

આ ઉપરાંત ગીઓડ અંબાજી મંદિરને પણ 20 એપ્રિલ સુધી બંધ રાખવાનો મંદિર પ્રશાશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી 20 એપ્રિલ સુધી મંદિરને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે. તે સિવાય સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિરને પણ 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. કોરોનાના પગલે મંદિરના મુખ્ય દરવાજા 30 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x