26મીની કેજરીવાલની સભા માટે મંજૂરી આપવા તંત્રના ગલ્લા-તલ્લા
ગાંધીનગરઃ
આમ આદમી પાર્ટીનાં અધ્યક્ષ અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કાર્યકરો સાથે રણનિતી બેઠક કમ પ્રચારનાં શ્રીગણેશ ગાંધીનગરથી કરવા તા 26મી માર્ચે શહેરમાં આવનાર છે. સ્થાનિક ‘આપ’ હોદેદારો દ્વારા સ્થાનિક તંત્રની મંજુરી માંગવામાં આવી છે. પરંતુ મંજુરી આપવામાં ગલ્લા તલ્લા કરવામાં આવતા કાર્યકરો ગિન્નાયા છે અને મંજુરી નહી મળે તો હાઇકોર્ટમાં જવાની ચિમકી ઉચ્ચારી છે. જયારે જવાબદાર તંત્ર પણ હજુ મંજુરી આપવા બાબતે નિર્ણય લઇ શક્યુ નથી.
ગાંધીગનર આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યુ હતુ કે રવિવારે ગાંધીનગરમાં યોજાનાર કેજરીવાલજીનાં કાર્યક્રમને લઇને રાજયભરમાં તમામ તૈયારીઓ થઇ ચુકી છે. આ બેઠક જાહેર લોકો માટે નહી પણ પાર્ટીનાં હોદેદારો તથા કાર્યકરો માટેની છે. પાર્ટી પુરતો કાર્યક્રમ હોવાથી ભીડ એકઠી થવાની નથી. આ કાર્યક્રમ માટે સેકટર 6નાં કલ્ચરલ ગરબા ગ્રાઉન્ડની જગ્યા માટે મામલતદાર તથા પોલીસ પાસેથી મંજુરી માંગવામાં આવી છે. મંજુરીની અરજીનાં ઘણા દિવસ થવા છતા યોગ્ય જવાબ મળ્યો નથી અને બે દિવસ પછી નિર્ણય થશે તેવા જવાબો મળી રહ્યા છે. પોલીસ દ્વારા સોમવારે જવાબ આપવાનું જણાવવામાં આવ્યુ છે. સોમવારે નિર્ણય નહી થાય તો હાઇકોર્ટનાં દ્રાર ખખડાવીશુ.