કોરોના વાયરસથી મૃત્યુઆંક વધતા અમદાવાદનાં સ્મશાનગૃહોમાં 2 થી 3 કલાકનું વેઇટિંગ
શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાવાયરસના નવા 2842 કેસ નોંધાયા હતા, જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા હતા. એપ્રિલ 2020માં સમગ્ર મહિનામાં માંડ 2996 કેસ નોંધાયા હતા. આમ શુક્રવારના એક જ દિવસમાં નોંધાયેલા 2842 કેસ લગભગ તેની નજીક આવી ગયા કહેવાય. કોરોનાથી મૃત્યુની વાત કરીએ તો લગભગ 300થી વધુ દિવસ પછી ફરી એક વાર એક દિવસમાં 25 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લે ગત જૂનમાં આટલો મૃત્યુઆંક આવ્યો હતો. છેલ્લા 22 દિવસથી એક પણ દિવસ કેસનો આંકડો 600થી નીચે ગયો નથી. 9 એપ્રિલથી 16 એપ્રિલ સુધીના અઠવાડિયામાં જ 16331 કેસ નોંધાયા છે. જે ફેબ્રુઆરી અને માર્ચમાં નોંધાયેલા કુલ 11353 કેસ કરતાં ઘણાં વધારે છે.
શહેરમાં માર્ચથી કોરોના વાઇરસના કેસમાં ઉછાળો ચાલુ થયો હતો. 23 માર્ચે રોજિંદા કેસની સંખ્યાએ 500નો આંક વટાવ્યા પછી એક પણ દિવસ કેસ ઘટ્યા નથી. એપ્રિલના 16 દિવસમાં 22 હજારથી વધુ કેસ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 491 દર્દી સાજા થતાં વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એપ્રિલમાં ડિસ્ચાર્જ લેતા દર્દીઓનો રેશિયો ઘણો નીચે આવ્યો છે. કોર્પોરેશનના ચોપડે હજુ પણ 12,751 એક્ટિવ દર્દી દર્શાવવામાં આવે છે પરંતુ હાલની સ્થિતિ જોતાં આ આંકડો ઘણો ઊંચો હોઈ શકે છે.
શહેરના મોટાભાગના સ્મશાનોમાં છેલ્લા 10 દિવસથી રોજના 12થી 15 મૃતદેહના અંતિમ સંસ્કાર થાય છે. છેલ્લા એક સપ્તાહથી આ સંખ્યામાં બમણો વધારો જોવા મળ્યો છે. સ્મશાન ગૃહો 24 કલાક ચાલુ રાખવા પડે છે. જૂનાવાડજ અંતિમધામના બળદેવ શાહના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસથી અમે રોજના 30 મૃતદેહના અંતિમ સંસ્કાર કરીએ છીએ. વાડજ સ્મશાન ગૃહના એક કર્મચારીએ કહ્યું કે, એકના અંતિમ સંસ્કારમાં દોઢ કલાક જેટલો સમય લાગતો હોય છે.