ચેતજો : વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જથી વૈશ્વિક GDPમાં 20% ઘટાડો થઈ શકે છે.
લાંબા સમય સુધી એ વિચાર પડદા પાછળ હલચલ કરતો રહ્યો કે, ક્લાઈમેટ ચેન્જ દરેક ચીજને સ્પર્શે છે. ઘાતક મહામારીએ દુનિયાભરના નેતાઓ અને કોર્પોરેટ વિશ્વને અહેસાસ કરાવ્યો છે કે, ક્લાઈમેટ ચેન્જ જ બધું છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ પ્રમાણે, હવામાનના બદલાતા મિજાજથી દુનિયાની જીડીપીમાં 20%નો ઘટાડો આવી શકે છે.
જીડીપીના સિદ્ધાંતને આગળ વધારતા નોબલ પુરસ્કાર વિજેતા સાઈમન કુજનેટ્સે ચેતવણી આપી છે કે, વિકાસની માત્રા અને તેની ગુણવત્તા વચ્ચે ફર્ક રાખવો પડશે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પબ્લિક પોલિસીના પ્રો. સોલોમન સિયાંગે પોતાના નવા સંશોધનમાં કહ્યું છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે ગુનાખોરી વધી છે. કામદારોની ઉત્પાદકતા ઘટી છે. મૃત્યુદર વધ્યો છે. સમાજ તહસ-નહસ થઈ રહ્યો છે.
આર્થિક સ્થિત ખરાબ થવાના કારણે સ્થાયી મંદી જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. શરીરમાં એક હજાર ઘા લાગવાથી જેમ મોત થઈ શકે, એવી જ રીતે વાતાવરણમાં ફેરફાર આખા વિશ્વને પ્રભાવિત કરશે. 2018માં યુએનની ક્લાઈમેટ સાયન્સ ઈન્સ્ટિટ્યુટે ચેતવણી આપી હતી કે, જો દુનિયા ઓછું કાર્બન ઉત્સર્જન ધરાવતા અર્થતંત્ર તરફ આગળ નહીં વધે, તો ભયાનક સ્થિતિ સર્જાશે.
મહામારીએ લોકોને વિજ્ઞાનની ઉપેક્ષા તેમજ વિશ્વની એકબીજા સાથે જોડાઈ રહેવાની ઉદાસીનતા કેવી ખતરનાક બની શકે છે, તેની યાદ અપાવી છે. ગયા વર્ષે અમેરિકન પ્રમુખપદની ચૂંટણી પહેલા અમેરિકન મતદારોએ સૌથી વધુ ચિંતા ક્લાઈમેટ ચેન્જ અંગે જ વ્યક્ત કરી હતી. યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામના વડા એચિમ સ્ટીનરનું કહેવું છે કે, ક્લાઈમેટ ચેન્જ અચાનક હરિયાળી અને પ્રદૂષણ ઘટાડવાનું સાધન બની ગયું છે. અનેક દેશોની કથની અને કરણીમાં અંતર છે. ફેબ્રુઆરીમાં રજૂ યુએનના એક રિપોર્ટ પ્રમાણે, 2030 સુધી કાર્બન ઉત્સર્જન ફક્ત એક ટકો ઓછું થશે, મોટા ભાગના દેશોમાં બે ટકા ઘટાડા પર સમજૂતી કરી છે.
અંગકોરવાટની તબાહીનું કારણ પણ પર્યાવરણ
નવમી સદીની શરૂઆતથી 600 વર્ષ સુધી ખ્મેર સામ્રાજ્ય (હાલ કંબોડિયા)ની રાજધાની અંગકોરની સ્થિતિ પર સંશોધકોની હંમેશા નજર હોય છે. આ સામ્રાજ્ય તબાહ થતા પહેલા અંગકોરવાટ આધુનિક શહેર હતું, જેમાં લાખો લોકો વસતા હતા. શહેરના પતનનું કારણ પાડોશી સામ્રાજ્ય સાથે લડાઈ, વેપારની પદ્ધતિમાં ફેરફાર મનાતું હતું. નવા સંશોધનોમાં ખબર પડી કે, 15મી સદીમાં 10 વર્ષ પડેલો દુકાળ-નિષ્ફળ ચોમાસું શહેર નષ્ટ થવાના કારણ છે.