ભાવનગરનું બોરડી ગામ: 20 વર્ષથી મહિલા સરપંચ, 21મી વાર લીલાબેન મોરી ચૂંટાયા
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું બોરડી ગામ એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે, જ્યાં છેલ્લા 20 વર્ષથી ગ્રામ પંચાયત સમરસ છે અને તેનું સંચાલન મહિલા સરપંચ દ્વારા થાય છે. આ 21મી ટર્મમાં પણ શ્રીમતી લીલાબેન પ્રતાપસિંહ મોરી 21મી વખત સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે, જે એક રેકોર્ડ સમાન છે.
લીલાબેન મોરી, જે 30 વર્ષની ઉંમરથી આ જવાબદારી સંભાળે છે, તેઓ ગામની એકતા અને મહિલાઓની કામગીરીને આ સફળતાનું શ્રેય આપે છે. ગર્વભેર તેઓ જણાવે છે કે તેમની સમરસ ગ્રામ પંચાયત બોડી સંપૂર્ણપણે મહિલાઓથી સંચાલિત છે. ગામને સુંદર, નિર્મળ અને ગોકુળિયું બનાવવાનો તેમનો સંકલ્પ ગ્રામજનોના સહકારથી પરિપૂર્ણ થયો છે. સરપંચ તરીકે તેમણે પાણીની સમસ્યા હલ કરવા, સ્વજલધારા યોજના હેઠળ પાણીની ટાંકીઓ બનાવડાવવા અને આવાસ યોજનાઓનો લાભ આપી કાચા ઘરોને પાકા કરાવવા જેવા વિકાસ કાર્યો કર્યા છે. સમરસ પંચાયત તરીકે મળનારી વધારાની ગ્રાન્ટનો ઉપયોગ પણ ગામના વધુ વિકાસ માટે કરાશે. લીલાબેને સરકારની યોજનાઓ અને પ્રધાનમંત્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.