રાજ્યમાં આજે 13 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા
ગાંધીનગર:
રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકડાઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. ત્યારે ચાર મહાનગરોમાં જાણે કે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એમ કેસ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13,804 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 5,618 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,61,493 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 77.30 ટકાએ પહોંચ્યો હતો.
અત્યાર સુધીમાં 92,15,310 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 17,86,321 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,10,01,631 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 57,228 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 76,095 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,00,128 એક્ટિવ દર્દી છે, જે પૈકી 384 લોકો વેન્ટિલેટર પર છે અને 99,744 લોકો સ્ટેબલ છે. 3,61,493 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 6,019 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 21, સુરત કોર્પોરેશનમાં 19, રાજકોટ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 10, જામનગર કોર્પોરેશનમાં 9, ભાવનગર કોર્પોરેશનમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 2 દર્દીના મોત થયા છે.
આ ઉપરાંત સુરતમાં 2, મહેસાણામાં 4, બનાસકાંઠામાં 5, જામનગરમાં 5, વડોદરામાં 6, પાટણમાં 2, ભાવનગરમાં 4, ગાંધીનગરમાં 2, દાહોદમાં 1, જૂનાગઢમાં 2, વલસાડમાં 2, ભરૂચમાં 3, મહિસાગરમાં 1, રાજકોટમાં 3, સુરેન્દ્રનગરમાં 4, પંચમહાલમાં 1, સાબરકાંઠામાં 6, મોરબીમાં 4, અમદાવાદમાં 1, અરવલ્લીમાં 1, છોટા ઉદેપુરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 4 અને બોટાદમાં 2 દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 142 દર્દીઓના મોત થયા છે.