ગાંધીનગર : દર્દીઓને રેઢા મૂકીને મિટિંગમાં ગરકાવ થઈ ગયેલા સિવિલ સુપ્રિટેન્ડન્ટ સામે પૂર્વ ધારાસભ્યએ કરી ફરિયાદ
ગાંધીનગર :
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાઈનોમાં ઉભેલા દર્દીઓને સારવાર મળી રહે તે માટે છેલ્લા ઘણા દિવસોથી સિવિલમાં ધામા નાખનાર ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ વચ્ચે ગઈકાલે રકઝક થઇ હતી. ત્યારે દર્દીઓને રેઢા મૂકીને મિટિંગમાં ગરકાવ થઈ ગયેલા સુપ્રિટેન્ડન્ટ ફોન ઉપાડવાની પણ તસ્દી ન લેતા પૂર્વ ધારાસભ્યએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની તૈયારીઓ શરૂ કરી લીધી છે. આ માથાકુટ વચ્ચે દહેગામના બીમાર પિતા-પુત્રમાંથી પુત્રની જગ્યાએ સિવિલ તંત્રે સ્ટેબલ પિતાને દાખલ કરી દેતા પુત્રનું 108 એમ્બ્યુલન્સમાં જ મોત નીપજ્યું હતું. આ અંગે ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલે જણાવ્યું હતું કે, છેલ્લાં 17 દિવસથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ જઈને દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે અંગે કામગીરી કરી રહ્યો છું. શુક્રવાર રાતથી સિવિલમાં સારવાર મેળવવા માટે દર્દીઓ 108 એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનોમાં તરફડીયા મારતા હતાં. શનિવાર સવાર સુધી ઘણા લોકોનો નંબર જ આવ્યો ન હતો. આ અંગે દહેગામના ધારાસભ્ય તેમજ વાસણીયા મહાદેવથી ઉપરાંત અનેક લોકોએ મને ફોન કરીને દર્દીઓને સારવાર મળે તે માટે ફરિયાદો કરી હતી. પૂર્વ ધારાસભ્ય ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચતા 25 થી 30 જેટલી ગાડીઓમા દર્દીઓ સારવાર માટે ટળવળી રહ્યા હતા. જેમાં ઘણા દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. જેથી પૂર્વ ધારાસભ્ય અશોક પટેલે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ નિયતિબેન લાખાણીને રજૂઆત કરીને કહેલું કે, સિવિલમાં જગ્યા ન હોય તો એનાઉન્સ કરી દો જેથી દર્દીઓ લાઈનમાં ઉભા ન રહે અને તેમને અન્ય સ્થળે સારવાર કરાવવાની ખબર થાય. આ બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ નિયતિ લાખાણી અને પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ વચ્ચે ચકમક ઝરતા સૌ કોઈ સ્તબ્ધ થઇ ગયા હતા. બાદમાં કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ આપ્યા વગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ નિયતિ લાખાણી મિટિંગમાં જતા રહ્યા હતા ત્યારે RMO ડો. જશપરાએ દર્દીઓની સારવાર બાબતે મિટિંગમાં ચર્ચા કરી લઈએ છે તેવો ઉડાઉ જવાબ આપી દીધો હતો.
અશોક પટેલે ક્લેક્ટરને પણ જાણ કરી
જેના પગલે પૂર્વ ધારાસભ્યએ પોતાની પાસે રહેલા ઓક્સિજન મીટર વડે લાઈનમાં રહેલા દર્દીઓનું ઓક્સિજન લેવલ તપાસવાનું શરૂ કરતા એક દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેમણે ફરજ પરના ઇન્ટર્ન તબીબીને દાખલ કરવા વિનંતી કરેલી પરંતુ તે તબીબે કલેક્ટર કે ઓએસડી આવશે તો પણ સારવાર નહીં કરવા જણાવી દીધું હતું. જેથી પૂર્વ ધારાસભ્યે આ બાબતે ગાંધીનગર જિલ્લા કલેક્ટરને ફોન ઉપર જાણ કરી હતી.
હોસ્પિટલની બેદકારીથી 35 વર્ષીય યુવકનુ મોત
આ દરમિયાન લાઈનમાં ઉભા રહેલા દહેગામના પિતા પુત્ર પણ સારવાર માટે વલખા મારી રહ્યા હતા. જેમાં 70 વર્ષના પિતાની સ્થિતી હતી પણ 35 વર્ષીય પુત્રનું ઓક્સિજન લેવલ 45 આવી ગયું હતું. તો સિવિલ તંત્રએ પિતાને દાખલ કરી દીધા હતા જેથી તેમના પરિવાજનોએ ફરજ પરના તબીબને કહેલું કે, પિતાની જગ્યાએ પુત્રને દાખલ કરવામાં આવે પરંતુ તબીબોએ કોઈ ધ્યાન ન આપતા કલાકો પછી પુત્રનું 108 એમ્બ્યુલન્સમાં જ મોત નીપજ્યું હતું. આ અંગે પણ પૂર્વ ધારાસભ્યએ રજૂઆત કરતા ફરજ પરના કર્મચારીઓએ સિક્યુરિટી બોલાવીને સિવિલ કેમ્પસ બહાર ખદેડી દેવાની ધમકી પણ આપી હતી.