ગાંધીનગર

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 24 ફેકલ્ટી ડોકટર્સ કોરોના સંક્રમિત

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન ડોક્ટર તેમજ પેરામેડિકલનો ગ્રાઉન્ડ સ્ટાફ સંક્રમિત થતાં આંકડો 70થી 80 આસપાસ પહોંચ્યો છે. હાલમાં 24 ફેકલ્ટી ડોક્ટર્સ કોરોના સંક્રમિત હોવાને કારણે તેમને રજા આપી દેવામાં આવી છે. જોકે હાલમાં સ્ટાફની અછત હોવાના કારણે સંક્રમિત કર્મચારીઓ જ રિકવર થઈને પાછા દર્દીઓની સેવામાં લાગી જઈ સાચા અર્થમાં કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરી રહ્યા છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને કારણે ડોકટરો તેમજ પેરામેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થવા લાગ્યા છે. છેલ્લા એક મહિના દરમિયાન ઇન્ટર ડોક્ટર તેમજ ફેકલ્ટી ડોક્ટર ઉપરાંત ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહેલા પેરામેડિકલ સ્ટાફ સંક્રમિત થવા લાગ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 1500થી 2000 હજારનો સ્ટાફ દિવસ-રાત ખડે પગે પોતાની ફરજ નિભાવી દર્દીઓની સારવાર તેમજ સુવિધાની કામગીરીમાં જોતરાઈ ચૂક્યા છે. ત્યારે હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરનાર તબીબો તેમજ પેરામેડિકલ સ્ટાફ તેમજ તેમનાં પરિવારજનો સુધી કોરોનાનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે.

સિવિલના 24 ફેકલ્ટી ડોકટર્સની ટીમ સંક્રમિત
ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં RMO સુધાબહેને જણાવ્યું હતું કે કોરોનાની સારવાર દરમિયાન તબક્કાવાર ડોક્ટરો તેમજ પેરામેડિકલ સ્ટાફ કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. હાલમાં 24 ફેકલ્ટી ડોક્ટર્સ કોરોના સંક્રમિત હોવાને કારણે તેમને રજા આપી દેવામાં આવી છે. જોકે આને કારણે સિવિલમાં દર્દીઓને સારવાર આપવાની કામગીરી પર કોઈ ખાસ અસર પડી નથી. અત્યારસુધી 70થી વધુ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા છે, પરંતુ આજ ટીમ રિકવર થઈને ફરીથી પોતાની ફરજ પર આવી જાય છે. હાલમાં સિવિલમાં 300થી વધુ ડોકટર્સ ખડેપગે દર્દીઓની સેવામાં રાત-દિવસ કામ કરી રહ્યા છે. તબક્કા વાર સ્ટાફ સંક્રમિત થઈ રહ્યો હોવાથી આ અમારા માટે રૂટિન બની ગયું છે, પણ રાહતની બાબત છે કે આજ સ્ટાફ થોડા દિવસોમાં રિકવર થઈને ફરી કામે લાગી જાય છે.

સિવિલ હોસ્પિટલમાં ડોકટરો તેમજ પેરામેડિકલ સ્ટાફની ભરતી શરૂ કરાઈ
ગાંધીનગર સિવિલમાં બેડની સંખ્યા વધારીને 500 કરી દેવામાં આવી છે, જેમાંથી 490 બેડ ફુલ થઈ ચૂક્યાં છે, ત્યારે જિલ્લા કલેક્ટર ડો. કુલદીપ આર્યની સૂચનાથી સિવિલમાં સ્ટાફની ભરતીપ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. 1500થી 2000નો સ્ટાફ સતત કામ કરીને માનસિક તેમજ શારીરિક રીતે થાકી ચૂક્યો હોવા છતાં કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરી રહ્યો છે. સિવિલમાં દર્દીઓની સારવાર પર કોઈ અસરના પડે એ માટે હજી પણ વધુ સ્ટાફની ભરતીપ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

કોર્પોરેશન વિસ્તારમાં પણ 200થી વધુ કર્મચારીઓ છેલ્લા એક વર્ષથી ઝઝૂમી રહ્યા છે
ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષથી કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે એની પરાકાષ્ટાએ પહોંચી જવા પામ્યું છે. ત્યારે કોર્પોરેશન વિસ્તારમાં પણ ડોક્ટરોથી માંડી વર્ગ-ચારના 200થી વધુ કર્મચારીઓ છેલ્લા એક વર્ષથી થોડા પણ નાસીપાસ થયા વિના ફરજ બજાવી રહ્યા છે. આ અંગે આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં 80 કેસ આવ્યા હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું નથી. એક મહિના દરમિયાન છૂટાછવાયા રીતે ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ સંક્રમિત થયો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા એક વર્ષથી અમારો ઘણો સ્ટાફ સતત રાત-દિવસ કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરીને સંક્રમિત થઈ ચૂક્યો છે, પરંતુ તેઓ પણ રિકવર થઈને પાછા સતત કામ કરવા લાગ્યાં છે, જે અમારા માટે ગૌરવની વાત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x