ગુજરાતમાં વઘુ એકવાર આંશિક લોકડાઉન લંબાવાશે ? આજે કોર કમિટી માં લેવાશે નિર્ણય.
ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થઈ રહી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી, જેથી આજે મળનારી કોર કમિટીની બેઠકમાં હાલમાં કર્ફ્યૂનો સમય જે રાત્રિના 8થી સવારના 5 સુધીનો છે, એને 20 મે સુધી લંબાવવામાં આવે એવી શક્યતા છે.
રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવશે?
રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ મોતના આંકડાની સાથે શહેરોની સાથે ગામડાં સુધી ફેલાયેલા કોરોનાને કાબૂમાં લેવા સરકાર હજુ કોઈ જોખમ લેવા માગતી નથી, પરિણામે, ગુજરાતમાં કોરોનાના કેસો 10 હજારથી ઓછા થાય, સાથે સાથે રિકવરી રેટ 85 ટકાથી ઉપર જાય એ પછી જ કર્ફયૂ અને નિયંત્રણો ઓછાં કરવામાં આવે એવી શક્યતા છે.
ગુજરાતનાં શહેરોમાં તો સ્થિતિ સુધરી રહી છે, પરંતુ ગામડાંમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં લેવા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને સારવારની વ્યવસ્થા મજબૂત બનાવી ગુજરાતમાં વધુ ને વધુ વેક્સિનેશન થાય એ માટેના પ્રયત્નો કરીને રાજ્યમાં કોરોનાની બીજી લહેરને કાબૂમાં લેવા સરકાર સક્રિય બની છે.