ગુજરાત

ગુજરાતમાં સૌરાષ્ટ્રના કાંઠે વાવાઝોડાનો ખતરો, તંત્ર એલર્ટ

કોરોનાની મહામારી વચ્ચે અરબી સમુદ્રમાં ઉદભવી રહેલાં વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર એલર્ટ બની છે. ટાઉતે નામનું વાવાઝોડુ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાઇ શકે છે તેવી ભીતિને પગલે સરકાર હરકતમાં આવી છે. વાવાઝોડાની સંભાવનાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છના તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. તા.૧૯મીએ ટાઉતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ શકે છે.

એક બાજુ,કોરોનાના સંક્રમણને ખાળવા સરકાર સક્રિય બની છે ત્યારે બીજી તરફ, અરબી સમુદ્રમાં સાયકલોન સિસ્ટમ ઉદભવી રહી છે. હવામાન વિભાગની આગાહી છેકે, ૧૪મીએ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી શરૂ થશે જેના પગલે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. દક્ષિણ અને પશ્ચિમ અરબી સમુદ્રમાં એક પ્રેશર સક્રિય થઇ શકે છે. આ લો પ્રેશર એક્ટિવિટી પર હવામાન નજર રાખી રહ્યુ છે. જયારે તા.૧૬મીએ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય બને તેવી સંભાવના છે. વાવાઝોડુ સક્રિય થયા બાદ કઇ દિશામાં ફંટાશે તે હાલમાં કહી શકાય તેમ નથી. ૧૯મીએ ટાઉતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે.

ટાઉતે વાવાઝોડાથી ગુજરાતના દરિયાકાંઠે જાન-માલહાનીનું નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકારે એકશન પ્લાન ઘડયો છે. રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત દરિયાકાંઠે રહેતાં લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઇ છે. કચ્છ અને સૌરાષ્ટ્ના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવશે. ગાંધીનગરમાં એક કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવનાર છે જ્યાથી ટાઉતે વાવાઝોડા પર સીધી નજર રાખવામાં આવશે. એટલું જ નહીં, કચ્છ-સૌરાષ્ટ્રના કલેક્ટર સહિતના સ્થાનિક તંત્રને જરૂરિયાત મુજબ સીધી સૂચનાઓ પણ અપાશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x