ગાંધીનગર : ડી.એસ.પી.ઓફીસ સામે જ મહિલાએ ખૂલ્લેઆમ વિદેશી દારૂની હાટડી ખોલી
ગાંધીનગરના આદીવાડા ગામના દંતાણી વાસમાં ખુલ્લેઆમ વિદેશી દારૂની હાટડીઓ ખોલીને બેઠેલી મહિલા બુટલેગરને સેકટર 21 પોલીસે દરોડો પાડીને ઝડપી લીધી છે. જેમાં 251 નંગ વિદેશી દારૂની બોટલોનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દારૂનું છૂટથી વેચાણ ચાલુ જ રહેતું હોય છે
રાજયના પાટનગર ગાંધીનગરમાં કોરોના મહામારી વચ્ચે પણ વિદેશી દારૂનું છૂટથી વેચાણ થઈ રહ્યું હોવાનો પુરાવો આદિવાડાની ઘટના પરથી મળી રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં લિસ્ટેડ 606 બુટલેગર પૈકી આદિવાડાની સૌથી વધુ મહિલા બુટલેગરનો પણ સમાવેશ છે. જિલ્લા પોલીસ મથક વિસ્તારનાં અલગ અલગ ગામોમાંથી પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવતો હોવા છતાં દારૂનું છૂટથી વેચાણ ચાલુ જ રહેતું હોય છે. ગઈકાલે સેકટર 21 પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ કુબેરસિંહ રાણાને બાતમી મળી હતી કે આદિવાડા ગામે દંતાણી વાસમાં રહેતી 32 વર્ષીય સવિતા મુકેશ દંતાણી દારૂનો વેપાર કરી રહી છે.
ભૂતકાળમાં પણ સવિતા દારૂ વેચતા ઝડપાઈ છે
જેના પગલે પોલીસ કાફલો બાતમી વાળી જગ્યાએ પહોંચી ગયો હતો. જ્યાં સવિતા દંતાણી પ્લાસ્ટિકના થેલા સાથે ખુલ્લે આમ વિદેશી દારૂનું વેચાણ કરતી મળી આવી હતી. ત્યારે કોરોના કાળમાં પણ બિન્દાસ રીતે દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગરને જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાદમાં મહિલા પોલીસને સાથે રાખી સવિતા દંતાણીનાં ઘરની તલાશી લેવામાં આવી હતી.
વોડકા, જીન તેમજ વિસ્કીની જુદી જુદી બ્રાંડની બોટલો મળી
જ્યાં તેના ઘરની ઓસરીમાં અલગ અલગ પડેલા થેલામાં તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી કાચની 251 નંગ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં રાજસ્થાન અને હરિયાણા માર્કની વોડકા, જીન તેમજ વિસ્કીની જુદી જુદી બ્રાંડની બોટલો હતી. ભૂતકાળમાં પણ સવિતા દંતાણી પ્રોહીબીશનનાં ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂકી છે. હાલમાં તેની પાસેથી આશરે 49 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.