કોરોનાના વેક્સીનેશન કરવાના દરમાં ભારતનો ક્રમ ચિંતાજનક : શક્તિસિંહ ગોહિલ
કોરોનાના વેક્સીનેશનના દર ૧૦૦ વ્યક્તિએ ડોઝ આપવાના ટકાવારીમાં ભારત દુનિયાના દેશોમાં ૭૭માં ક્રમે એટલે કે બહુજ છેવાડે છે તે વાતનું અત્યંત દુઃખ છે. જે દેશો કોરોનાની વેક્સીનના ડોઝ આપવામાં અગ્રેસર રહ્યા છે ત્યાં કોરોના સંક્રમણની ચેન તૂટી છે અને જીવન રક્ષણ સાથે નોર્મલ સ્થિતિ બની ગઈ છે. દુનિયાના ચાર દેશો સેશલ્સ, ઇઝરાયલ, યુ.એ.ઈ અને સાન મેરિનોએ ૧૦૦ વ્યક્તિની જનસંખ્યાએ ૧૦૦ ડોઝ આપવાના આંકને પાર કરેલ છે જયારે યુકે અને અમેરિકાથી લઈને માલદીવ સુધીના અનેક એવા દેશો છે કે જેઓએ ૧૦૦ની આબાદીએ ૮૦ કોરોનાની વેક્સીનના ડોઝ આપેલ છે એટલે કે ૮૦% સુધી પહોંચેલા છે જયારે અત્યંત કમનસીબી એ છે કે વેક્સીન બનાવવાની ક્ષમતામાં દુનિયાનાં અગ્રેસર દેશોમાં સ્થાન ધરાવતા આપણા દેશમાં ૧૦૦ વ્યક્તિએ પ્રથમ ડોઝ મળેલ હોય તેવા ૧૦ વ્યક્તિ એટલે કે ૧૦% જ છે અને જેમને બન્ને ડોઝ વેક્સીનના મળેલ હોય તેવાની ટકાવારી માત્ર ૨.૭% છે એટલે ૧૦૦ની વસ્તી એ ૧ ડોઝ અને બન્ને ડોઝ મળેલા એ બન્નેનો સરવાળો કરીએ તો પણ ભારત દેશ ૧૩%ના આંકડાને પણ સ્પર્શી શકતો નથી.
આ આંકડાઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીએ સરકારી આંકડાઓ આધારિત OURWORLDINDATA.ORG પરથી લીધેલા છે. આ સરકારી આંકડાઓ આધારિત ઑક્સફર્ડ યુનિવર્સીટીનો ડેટા ઈન્ટરનેટ પર પણ ઉપલબ્ધ છે.
ભારત દેશ પાસે વિકસીન બનાવવાની પુરેપુરી ક્ષમતા છે અને ભૂતકાળમાં શીતળા હોય કે પોલિયો જેવા રોગો હોય તેની સામે દેશવાસિઓને વેક્સીન પહોંચાડવાનું સફળતાપૂર્વકનું કામ કરીને સમગ્ર દુનિયામાં ભારત દેશે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.
આપણા દેશે ઉત્પાદન કરેલ વેક્સીન પ્રથમ આપણા નાગરીકોને આપવાને બદલે વેક્સીનના કરોડો ડોઝ બહારના દેશોને ભારત સરકારે આપી દીધા અને પરિણામે આજે આપણા દેશવાસીઓને વેક્સીનના ડોઝ માટે રઝળવું પડે છે. અમેરિકા જેવા સમૃદ્ધ દેશથી લઈને અનેક દેશો કે જેમણે કોરોનાની વેક્સીનનું ઉત્પાદન કર્યું હતું તેઓ એ પ્રાથમિકતા પોતાના દેશના નાગરીકોને જ આપી હતી અને પરિણામે ત્યાં જાનહાનિ પણ ઓછી થઈ છે અને જીવન સામાન્ય ઝડપથી બન્યું છે. અમેરિકાએ તે પોતાને ત્યાં બનતા ડોઝ માટે સૂત્ર આપ્યું હતું “અમેરિકન ફસ્ટ” એટલે કે વેક્સીન પહેલા અમેરિકાના લોકોને જ મળશે અને જ્યાં સુધી અમેરિકાના લોકોને આસાનીથી વેક્સીન ઉપલબ્ધ ન થયું ત્યાં સુધી વેક્સીનના ડોઝ બહારના દેશોમાં ત્યાંની સરકારે પ્રતિબંધિત કર્યા હતા. ભારત સરકારની મોટી ભૂલના કારણે આપણા દેશે ઉત્પાદન કરેલા વેક્સીન પરદેશમાં આપી દીધા અને હવે બહારના દેશોમાંથી આપણે વેક્સીન આયાત કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ ૧૬/૧૦/૨૦૨૦ની મીટીંગમાં સરકારને સ્પષ્ટ કહ્યું હતું કે, વેક્સીનની ઉપલબ્ધતા માટે પ્લાન બનાવો અને દેશની વેક્સીન બનાવવાની ક્ષમતાને સત્વરે જોરદાર રીતે વધારો જેથી નાગરીકોને વેક્સીન ઉપલબ્ધ થવામાં તકલીફ ન થાય. કમિટીએ વધુમાં સબસીડી આપવા અને પુરેપુરી જનસંખ્યાને વેક્સીન આપવા ભલામણ કરી હતી. આ અંગેનો ઉલ્લેખ સ્ટેન્ડિંગ કમિટીના ૧૨૩માં રીપોર્ટના પેરાગ્રાફ ૩.૨૪, ૩.૨૫ તથા ૩.૨૭માં છે. રીપોર્ટની નકલ પ્રેસ અને મીડિયાને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પુરી પાડીને સરકારની ગંભીર બેદરકારી ઉજાગર કરી હતી.