બંગાળમાં TMC ના 2 મંત્રી સહિત 4 નેતાની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના 2 મંત્રી, એક પૂર્વ મંત્રી, અને એક વિધાયક પર સીબીઆઈનો સકંજો કસાયો છે. સીબીઆઈએ આજે સવારે ટીએમસીના મંત્રી ફિરહાદ હકીમ, સુબ્રત મુખર્જી, ટીએમસીના વિધાયક મદન મિત્રા અને પૂર્વ મંત્રી સોવન ચેટર્જીની ધરપકડ કરી છે. આ બધા વચ્ચે સીએમ મમતા બેનર્જી સીબીઆઈની ઓફિસ પહોંચ્યા છે. સીબીઆઈ આ ચારેયની નારદા કેસમાં પૂછપરછ કરશે.
અત્રે જણાવવાનું કે સીબીઆઈની ટીમ આજે સવારે પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી ફિરહાદ હકીમના ઘરે પહોંચી અને તેમની ધરપકડ કરી. આ દરમિયાન સીબીઆઈની ટીમ સાથે સીઆરપીએફના જવાનો પણ હાજર રહ્યા હતા. સીબીઆઈની ટીમે ફિરહાદ હકીમની નારદા કેસ મામલે ધરપકડ કરી છે.
મદન મિત્રા અને સોવન ચેટર્જીની પૂછપરછ ચાલુ
આ ઉપરાંત ટીએમસીના વિધાયક મદન મિત્રા અને પૂર્વ મંત્રી સોવન ચેટર્જીની પણ સીબીઆઈ પૂછપરછ કરી રહી ચે. આ બંનેને પણ સીબીઆઈ ઓફિસ લઈ જવાયા છે. બંનેની નારદા કેસ અંગે પૂછપરછ થઈ રહી છે.
પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી સુબ્રત મુખર્જી પણ કોલકાતા સ્થિત સીબીઆઈની ઓફિસ પહોંચી ગયા છે. સીબીઆઈ આજે ફિરહાદ હકીમ, મદન મિત્રા, સુબ્રત મુખર્જી અને સોવન ચેટર્જીની નારદા કેસમાં પૂછપરછ કરી રહી છે.
નોંધનીય છે કે આ અગાઉ ગત અઠવાડિયે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે ટીએમસીના ચાર પૂર્વ મંત્રીઓ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.
ટીએમસીના મંત્રીઓ અને વિધાયકની ધરપકડ પર ભાજપના નેતા રાહુલ સિન્હાએ કહ્યું કે તેની પાછળ ભાજપનો કોઈ હાથ નથી. ટીએમસી બબાલ કરવા માંગે છે. તેમણે મહિલાઓ પર અત્યાચાર કર્યા. આજે ધરપકડ સુપ્રીમ કોર્ટના કહેવા પર થઈ છે. તેમણે સ્કેમ કર્યું. ભાજપને તેની સાથે કોઈ લેવાદેવા નથી.