ગુજરાત

નવસારીમાં વિકાસની કામગીરીની પોલ ઉઘાડી થઈ, પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને શાસક પક્ષના નેતા નબળો સ્લેબ તૂટી પડતા ગટરમાં ખાબક્યાં

નવસારી-વિજલપોર પાલિકા બન્યા બાદ પહેલીવાર પાલિકાના પ્રમુખ જીગીશ શાહ, શાસક પક્ષના નેતા મુકેશ અગ્રવાલ, ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, પાલિકા એન્જિનિયર રાજુભાઇ ગુપ્તા ફાયરની ટીમ સાથે મંગળવારે વરસાદના પગલે વિજલપોરના વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં પાણી ભરાયું હોય તેનું નિરીક્ષણ કરવા ગયા હતા. દરમિયાન મેઘવાળ સોસાયટી પાસે આવેલા ડ્રેનેજના સ્લેબ પર પ્રમુખ, ચીફ ઓફિસર સહિત સ્ટાફ ઉભો હતો ત્યારે વજન ખમી ન શકતા અચાનક નબળો સ્લેબ તૂટી પડતા પ્રમુખ સહિત ચાર લોકો ગટરના પાણીમાં પડ્યાં હતા.

જ્યાં હાજર ફાયર બ્રિગેડના જવાનોએ તેમને હાથ પકડી બહાર કાઢ્યા હતા. આ ઘટનાનો વીડિયો વહેતો થતા નગરમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં કોઈને પણ ઇજા પહોંચી ન હતી. તમામને ફાયર બ્રિગેડના જવાનોએ બહાર કાઢ્યા હતા. સ્થાનિકોએ ડ્રેનેજમાં પડેલા પ્રમુખ સહિત તમામને સ્નાન પણ કરાવ્યું હતું. પરંતુ આ ઘટનાનો વીડિયો કોઈએ વહેતો કરી દેતા આ ઘટના ચર્ચાના ચકડોળે ચઢી હતી.

આ ઘટનામાં ચીફ ઓફિસરનો મોંઘોદાટ મોબાઇલ પણ ડ્રેનેજમાં પડી જતા સાંજે ફાયર બ્રિગેડ જવાનોએ શોધખોળ કરી રહ્યાની માહિતી પણ સ્થાનિકોએ આપી હતી. જોકે ડ્રેનેજમાં પડયાની ઘટનાનો વીડિયો વહેતો થતા પ્રમુખે જાહેરમાં આ ઘટના અંગે ખુલાસો આપવો પડ્યો હતો. ભાજપના શાસનના વિકાસની કામગીરીની પોલ આ સ્લેબે ઉઘાડી પાડી હતી.

પ્રમુખની બે મોઢાની વાત, પહેલા ઘટના કબૂલી પછી કહ્યું, ડ્રેનેજમાં યુવાનને કાઢવા ગયા હતા
નવસારી-વિજલપોર પાલિકા પ્રમુખ જીગીશ શાહે ઘટના બન્યા બાદ પ્રથમ એક ઓડિયોમાં સમગ્ર ઘટનાને સમર્થન આપી પોતાની સહિત 4 વ્યક્તિ ગટરમાં પડી હોવાનું જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ ઘટનાનો વીડિયો ચર્ચાના ચકડોળે ચઢતાં તેમણે નિવેદન ફેરવી જણાવ્યું હતું કે, અમે સ્થળનું નિરીક્ષણ કરતા હતા ત્યારે એક યુવાન ગટરના સ્લેબ ઉપર ઉભો હતો. તે અકસ્માતે ડ્રેનેજમાં પડી જતાં તેમને બહાર કાઢવા અમે અંદર ગયા હતા અને તેને બહાર કાઢ્યો હતો. બીજી વાતો ખોટી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x