સંભવિત ત્રીજી લહેર માટે સ્થાનિક સ્ટાફને ખાસ તાલીમ આપી તૈયાર કરવામાં આવશે.
દરેક સ્થિતિને પહોંચી વળવા તૈયારી શરૂ
અરવિંદ કુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં અને અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા છે, પરંતુ પાછલા દિવસોના અનુભવોના આધારે હવે સ્થાનિક તબીબોને ખાસ તાલીમ કાર્યક્રમ હાથ ધર્યો છે, જેના ભાગરૂપે ડિફેન્સ મેડિકલ સ્ટાફ સિવાયના સ્થાનિક 90 ડોકટર અને 250 જેટલા પેરામેડિકલ સ્ટાફને તાલીમ અપાશે, જેમાં પ્રત્યક્ષ રીતે પેરામેડિકલ સ્ટાફને મેડિકલ ઇક્વિપમેન્ટનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય તથા જાળવણી કરી શકાય એ અંગે માહિતગાર કરવામાં આવશે, સાથે-સાથે તાલીમ મેળવનારા તમામ મેડિકલ સ્ટાફને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. બીજી લહેરમાં હવે કોરોના કેસ ઘટ્યા છે, જોકે ત્રીજી લહેરની ચર્ચા વચ્ચે હોસ્પિટલ-સંચાલકો કોઇ બાંધછોડ રાખવા નથી માગતા અને હમણાંથી જ ગમે તે સ્થિતિને પહોંચી વળવા માટે તાલીમ આપશે.
જ્યાં સુધી જરૂર હશે ત્યાં સુધી સેવા આપવા તૈયારી
હાલ DRDO હોસ્પિટલમાં 300 જેટલા દર્દી સારવાર લઇ રહ્યા છે, જ્યારે 900 જેટલા દર્દી સાજા થઇ પરત ફરી ચૂક્યા છે. જોકે આર્મી ડોકટરોની ટીમ કોરોનાને હળવાશમાં લેવા નથી માગતી, એટલે જ તેઓ ગમે તે સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે અને સતર્ક છે, જેથી તેઓ જ્યાં સુધી જરૂર રહેશે, ત્યાં સુધી સેવા આપવાની તૈયારી દર્શાવી રહ્યા છે. હાલ હોસ્પિટલમાં 450થી વધુનો ડિફેન્સ મેડિકલ સ્ટાફ કાર્યરત છે, જેમાં 200 જેટલા ડોકટર, જ્યારે બાકીના પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. આર્મી, નેવી અને એરફોર્સના ડોકટરનો અને પેરામેડિકલ સ્ટાફ સેવા આપે છે.
આર્મીના ડોકટર, પેરામેડિકલ સ્ટાફ માટે આ અલગ પ્રકારનો અનુભવ
અરબિંદ કુમારે જણાવ્યું હતું કે અત્યારસુધી કુદરતી આપત્તિ સમયે મેડિકલ કેમ્પસ સંચાલિત કર્યા, પરંતુ આ પ્રકારે મોટે પાયે હોસ્પિટલનું સંચાલન કરવું એ પહેલીવાર બન્યું. દેશને જ્યારે જરૂર હોય છે ત્યારે જવાનો હંમેશાં તૈયાર હોય છે. હોસ્પિટલમાં કાર્યરત આર્મીના ડોકટર અને પેરામેડિકલ સ્ટાફ માટે પણ આ અલગ પ્રકારનો અનુભવ છે. જવાનો દેશની સરહદો પર દુશ્મનો સામનો કરી લડત આપે છે, એ જ રીતે હોસ્પિટલમાં કોરોના સામે લડત આપી દર્દીને બચાવી રહ્યા છે.
આર્મીના ડોકટરને સાંભળીને જ દર્દીઓમાં હકારાત્મક ઊર્જા આવે છે
દેશની અલગ અલગ આર્મી હોસ્પિટલમાં સેવા આપી ચૂકેલા અરવિંદ કુમારનું કહેવું છે કે દેશના લોકોને આર્મી પર ખૂબ જ ભરોસો છે અને લોકો આદર કરે છે. તેવામાં જ્યારે દર્દીઓ અહીં સારવાર માટે આવે છે ત્યારે આર્મીના ડોકટરો તેમનો ઇલાજ કરવાના છે, એ જાણીને જ દર્દીઓના મનમાં એક હકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને ઝડપી સાજા થશે એવો વિશ્વાસ પેદા થાય છે. અન્ય હોસ્પિટલો કરતાં DRDO-ધન્વંતરિ કોવિ઼ડ હોસ્પિટલનું વાતાવરણ અલગ છે.
કેવી રીતે થાય છે ડિફેન્સમાં ડોકટરની ભરતી ?
કર્નલ અરવિંદ કુમારના જણાવ્યા પ્રમાણે, વર્ષમાં 2 વાર આર્મીમાં ભરતી માટેની પ્રક્રિયા થાય છે, જેમાં MBBS કે સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરોની ભરતી થાય છે. ભરતી થયા બાદ આ ડોકટરોને લખનઉ ટ્રેનિંગ સેન્ટર ખાતે તાલીમ આપવામાં આવે છે. એ બાદ તેમને દેશના અલગ-અલગ આર્મી હોસ્પિટલ અથવા આર્મી કેમ્પ ખાતેની જવાબદારી સોંપવામાં આવે છે, જેમાં ડોકટરોને ડિફેન્સક્ષેત્રમાં સ્વરક્ષણ અને જવાનોને કઇ રીતે સારવાર કરવી એ અંગે તાલીમ આપવામાં આવે છે.