કેન્દ્ર સરકારે મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે 19420 ઇન્જેક્શનો ફાળવ્યા, સૌથી વધુ ગુજરાતને 4640 ઇન્જેક્શનો મળ્યા
ગુજરાતમાં કોરોના મહામારી ધીરે-ધીરે ઓછી થઈ રહી છે તો હવે નવી એક મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના થયા બાદ દર્દીમાં થતી મ્યુકોરમાઇકોસિસની બીમારીમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સિવિલમાં 500થી વધુ દર્દીઓ દાખલ છે. ત્યારે છેલ્લા 3-4 દિવસમાંથી સિવિલમાં સવારની સાથે રાત્રે પણ દર્દીઓની સર્જરી કરવાનું શરૂ કરાયું છે. દરરોજ અંદાજે 30થી વધુ દર્દીઓની સર્જરી કરવામાં આવે છે, સાથે જ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ ઈન્જેક્શન માટે પણ તડપી રહ્યા છે. એક-એક ઈન્જેક્શન માટે દર્દીનાં સગાં કલાકો સુધી હોસ્પિટલની બહાર બેસી રહે છે. એવામાં દર્દીઓની જરૂરિયાતને જોતા ભારત સરકારે ગુજરાતને 4640 જેટલા ઇન્જેક્શનો ફાળવ્યા છે.
ગુજરાતને સૌથી વધુ ઇન્જેક્શનો ફાળવાયા
ભારત સરકારે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવાર માટેના માઇલાન લેબના (રૂ.6247વાળા) 4640 ઇન્જેક્શન ફાળવ્યા છે. કેન્દ્ર સરકારે 22 રાજ્યો અને સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટમાં મળીને કુલ 19420 ઈન્જેક્શનો ફાળવ્યા છે. તેમાં સૌથી વધુ ગુજરાતને અપાયા છે. આ બાદ મહારાષ્ટ્રને 4060, આંધ્ર પ્રદેશને 1840, રાજસ્થાનને 1430 અને ઉત્તર પ્રદેશને 1260 ઇન્જેક્શનો ફાળવાયા છે. ગુજરાત સરકાર લાયકા લેબ્સના લાયોફિલાઇઝ્ડ (રૂ.220વાળા) ઇન્જેક્શન પ્રાઇવેટ હોસ્પિટલના દર્દીઓને આપી રહી છે. આ સસ્તા ઇન્જેક્શનથી કિડની ફેલ્યોલરનુ જોખમ રહેલુ છે
અમદાવાદ સિવિલમાં રોજની 30 સર્જરી થાય છે
રાજ્યમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના કેસ અમદાવાદમાં વધી રહ્યા છે. થોડા સમય પહેલાં સિવિલમાં દરરોજ 20થી 22 લોકોની સર્જરી થતી હતી, જે વધીને હવે 30થી વધુ થઈ ગઈ છે, સાથે જ દર્દીઓની સંખ્યામાં સતત વધારાને કારણે એક નવો વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે હવે સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના કુલ 9 વોર્ડ કાર્યરત છે. દર્દીઓ વધવાની સાથે સારવાર માટે જરૂરી ઈન્જેક્શનોની પણ ડિમાન્ડ વધી છે.
દર્દીઓને સારવાર દરમિયાન 90થી 140 ઇન્જેક્શનો અપાય છે
ખાનગી હોસ્પિટલોમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર લેતા દર્દીને સરેરાશ રોજનાં 3થી 5 અને કેટલાક દર્દીઓને 7 ઇન્જેકશન મૂકવા પડતાં હોય છે. મ્યુકોરમાઇકોસિસની સારવાર દરમિયાન 90થી 140 જેટલાં ઇન્જેકશનો મુકાતાં હોય છે.
2200થી વધુ મ્યુકોરમાઇકોસિસના કેસ ગુજરાતમાં
કોરોના મહામારી હજુ સમાપ્ત નથી થઈ, ત્યાં રાજ્યમાં બ્લેક ફંગસને મહામારી જાહેર કરવી પડી છે. કેન્દ્ર સરકારે પણ સ્વીકારી લીધું છે કે દેશમાં બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં છે. કેન્દ્રના મતે, ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના 2281 કેસ છે, જોકે હકીકતમાં આ આંકડો આશરે પાંચ હજારથી પણ વધુ છે. આમાંથી 50%થી વધુ લોકો ઘરમાં જ સારવાર લઈ રહ્યા છે. આ દર્દીઓને Amphotericin B ઈન્જેક્શનની જરૂર પડે છે, પરંતુ રાજ્યમાં દર્દીઓનાં સગાં ઈન્જેક્શન માટે રઝળપાટ કરી રહ્યાં છે.