ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ સારવાર હેઠળ
ગાંધીનગરમાં મ્યુકોર માઇકોસિસના 26 દર્દી સારવાર લઇ રહ્યા છે. સિવિલના ઇએનટી સહિતના તબીબોની ટીમે બુધવારે 3 દર્દીનાં ઓપરેશન કર્યાં હતાં. સિવિલના ઇએનટી વિભાગ દ્વારા અત્યાર સુધી કુલ 15 દર્દીઓના ઓપરેશન કરાયા છે. તેમાં નાકની આસપાસના ભાગમાં જોવા મળેલી બ્લેક ફુગને ઓપરેશન કરીને દુર કરવામાં આવી છે. જ્યારે હાલમાં વોર્ડમાં 24 દર્દીઓને દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના એચઓડી ડો.નિરજા સૂરીએ જણાવ્યું છે કે ગત મંગળવારે ત્રણ અને બુધવારે ત્રણ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમાં 42થી 55 વર્ષના પુરૂષ ત્રણમાંથી બે દર્દીઓના નાકના ભાગમાં બ્લેક અને એક દર્દીના હોઠના નીચેના ભાગમાં સફેદ ફુગને ઓપરેશન કરીને દુર કરી હતી. ઓપરેશનમાં ડો.શોભના ગુપ્તા, ડો.ભારતી, ડો.ધારા, ડો.લોવીન અને ઇએનટી વિભાગના ડો.રૂતા સયાની, ડો.ચેતન, ડો.દિવ્યા, ડો.વિશાલ, ડો.દિવા, ડો.યશ સહિતની ટીમે મદદ કરી હતી.
એક દર્દીનું ઝડબુ કાઢી નાખ્યું
સફેદ ફુગની બિમારીમાં સપડાયેલા એક દર્દીના ઝડબામાં ફંગસ પહોંચી ગઇ હતી. ઇએનટી તબીબ ડો.નિરજા સૂરી સહિતના તબિબોની ટીમે દર્દીનું જડબુ કાઢી નંખાયું હતું. ઓપરેશનમાં અમદાવાદથી પ્લાસ્ટિક સર્જનની મદદ લેવાઈ હતી.
2 દિવસથી મ્યુકરના દર્દીઓ ઘટ્યા
છેલ્લા વીસ દિવસથી મ્યુકરમાઇકોસિસના દર્દીઓ જોવા મળી રહ્યા છે. તેમાં ઓપીડીમાં દરરોજના 7 જેટલા દર્દીઓ આવતા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી દર્દીઓ ઘટી રહ્યા છે. તેમાં ગત મંગળવારે બે દર્દીઓ અને બુધવારે એક દર્દી ઓપીડીમાં આવ્યું હતું.
આંખની અંદર ફૂગ જાય તો ઓપેશન થતું નથી
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ મ્યુકરમાઇકોસિસના દર્દીઓમાં ફુગ આંખની અંદર ફુગ જાય તો ઓપરેશન થઇ શકતું નથી. આથી આવા દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા પડે છે. જ્યારે સાયનસની આસપાસ તેમજ પાછળના ભાગ સુધી કે આંખની નજીક સુધી પહોંચી ગયેલી બ્લેક કે સફેદ ફુગને ઓપરેશન કરીને દુર કરી શકાય છે તેમ ઇએનટી સર્જન ડો. નિરજા સૂરીએ જણાવ્યું છે.