કોરોનામાં શાળા-કોલેજો બંધ થતાં પીજીનાં ભાડાંમાં 10-15% ઘટાડો થશે
કોરોનાને કારણે છેલ્લા એક વર્ષથી શાળા-કોલેજ બંધ હોવાથી પીજી-સંચાલકો માટે વિદ્યાર્થીઓ આધારિત ઘંધો પડીભાંગ્યો છે. એક વર્ષથી વધુ સમય થવા આવ્યો, જેથી પીજીના વ્યવસાય સાથે જોડાયેલા સંચાલકો માટે રોજનો ખર્ચ કેમ કાઢવો એ મોટો સવાલ ઊભો થયો છે. અમદાવાદ સહિત કેટલાંક શહેરોમાં પીજી સેન્ટરમાં 20થી 25 ટકા સેન્ટર ચાલી રહ્યાં છે, એ માત્ર નોકરિયાત વર્ગ પર આધારિત છે. એવામાં જો કોલેજો શરૂ થાય તોપણ હાલની કોરોનાની સ્થિતિને જોતાં ફરી બેઠા થવામાં સમય લાગશે, એમ પીજી-સંચાલકો માની રહ્યા છે.
સંચાલકોને રૂ. 60 હજારથી લઇ 2 લાખનું નુકસાન
અમદાવાદમાં પીજી સેન્ટર ચલાવતા યશ શાહનું કહેવું છે કે અમદાવાદમાં અંદાજે 3 હજારથી વધુ પીજી સેન્ટર છે, જેમાંથી મોટા ભાગના સંચાલકોનો ધંધા બંધ છે. તેમને મહિને રૂ. 60 હજારથી લઇને 2 લાાખથી વધુનું નુકસાન થઇ રહ્યું છે. પીજી-સંચાલકો ફ્લેટ, બંગલો કે અમુક કિસ્સામાં બિલ્ડિંગ ભાડે લઈને પેઇંગ ગેસ્ટ સર્વિસ ચલાવતા હોય છે. જે-તે વિસ્તાર પ્રમાણે રૂ. 30 હજારથી લઇ 70 હજારથી વધુનું ભાડુ હોય છે. આ સિવાય પ્રોપર્ટી ટેક્સ, બિલ્ડિગનો જાળવણી ખર્ચ ભોગવવો પડતો હોય છે. વળી, જે વિદ્યાર્થી પોતાના ઘરે ગયા છે એ પૈકી કેટલાકનું ભાડું નથી મળ્યું, જેથી મોટું નુકસાન થયું છે.અમદાવાદમાં પીજી સંચાલકો બીજા ધંધા તરફ વળ્યા
14 વર્ષથી પીજી ચલાવતા કાર્તિક મોદીનું કહેવું છે કે શહેરમાં ભાડાના મકાન લઇ પીજી ચલાવતા અંદાજે 70 ટકા સંચાલકોએ મકાન ખાલી કરી દીધા છે અને સ્થિતિ ક્યારે સામાન્ય બને એની રાહ જોઇ રહ્યા છે. કેટલાક સંચાલકોએ હાલપૂરતું વિદ્યાર્થીઓ ન હોવાથી મકાન ખાલી કરી દીધા છે. તો કેટલાક લોકો અન્ય ધંધા તરફ વળ્યા છે અને શાકભાજીનો ધંધો શરૂ કર્યો છે, કોઇકે બ્રોકર તરીકે, તો કોઇકે કરિયાણાની દુકાન શરૂ કરી છે. અમદાવાદમાં અંદાજે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ શહેર કે જિલ્લામાંથી આવીને અભ્યાસ કરે છે.
હવે એક રૂમમાં મર્યાદિત લોકોનો સમાવેશ કરવો પડશે
વડોદરામાં પીજી ચલાવતા રાકેશ પંજાબીનું કહેવું છે કે વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટી ઉપરાંત કેટલીક મોટી ખાનગી યુનિવર્સિટી હોવાને કારણે પીજીનો વ્યવસાય મહત્ત્વનો છે. શહેરના ફતેગંજ, વાઘોડિયા વિસ્તારમાં સૌથી વધુ પીજી કાર્યરત છે. વડોદરામાં અંદાજે 500 જેટલાં પીજી છે. જોકે હાલ એ બધાં બંધ છે, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ પરત આવશે ત્યારે કોરોનાના કારણે સતર્કતા વધુ રાખવી પડશે, જેથી એક રૂમમાં અગાઉ કરતાં મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓને રાખવા પડશે.
પીજીનાં ભાડાંમાં 10-15% ઘટાડો થશે
અમદાવાદના ન્યૂ એજ રિયાલ્ટીના ચેતન સાવલિયાના જણાવ્યા અનુસાર, જ્યારે વિદ્યાર્થીઓ પરત આવશે ત્યારે પીજીનાં ભાડાંમાં 10-15% જેટલો ઘટાડો જોવા મળશે, કારણ કે કોરોનાને કારણે વિદ્યાર્થીઓ વહેલી તકે શહેર તરફ આવે એવી સંભાવનાઓ ખૂબ ઓછી છે, જેથી પીજી સંચાલકોએ જે વિદ્યાર્થીઓ મળે તેમને ઓછા ભાડે પણ પીજી આપવા પડશે, એવું સંચાલકો માની રહ્યા છે, સાથે-સાથે જે ભાડાંની મિલકતો ખાલી થઇ છે એમાંથી વેચાણ માટે પણ માર્કેટમાં આવી છે.
વલ્લભ વિદ્યાનગરમાં પીજી-સંચાલકોની સ્થિતિ કફોડી
આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી હોવાને લીધે રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. એક અંદાજ પ્રમાણે અહીં 2500થી 3000 જેટલાં પીજી સેન્ટર આવેલાં છે. વલ્લભ વિદ્યાનગરમાં પાછલાં 11 વર્ષથી પેઇંગ ગેસ્ટના વ્યવસાય સાથે જોડાયેલા જયેશ શાહનું કહેવું છે કે વલ્લભ વિદ્યાનગરમાં રાજ્ય ઉપરાંત પડોશી રાજ્યના અંદાજે 60થી 70 હજાર વિદ્યાર્થી આવીને અભ્યાસ કરે છે, જેથી તેમના માટે આ મુખ્ય વ્યવસાય છે, પરંતુ એક વર્ષથી ઉપરાંતનો સમય થયો હોઈ, કોલેજ કેમ્પસ બંધ છે, જેથી તેમની હાલત કફોડી બની છે.
મહાનગરોમાં માત્ર 20-25% જ નોકરિયાત વર્ગ પીજીમાં
કોરોના અને મિની લોકડાઉનને કારણે કોર્પોરેટ સેક્ટરમાં ક્યાંક વર્ક ફ્રોમ હોમ, તો ક્યાંક 50% સ્ટાફ સાથે કામ થઇ રહ્યું છે, જેને લીધે રાજ્યના અલગ-અલગ વિસ્તારમાંથી મહાનગરોમાં આવી નોકરી કરતા અને પીજીમાં રહેતા લોકોની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. પાછલાં 10થી 15 વર્ષ ઉપરાંત સમયથી પીજીના વ્યવસાય સાથે જોડાયેલા સંચાલકો, જેઓ પોતાની માલિકીની મિલકત ધરાવતા હોય, તેવા લોકો પાસે એકલ-દોકલ રૂમ ભાડે આપેલા જોવા મળી રહ્યા છે.