મોડાસા, શામળાજી, ભિલોડા , માલપુર પંથકમાં ભારે પવન સાથે વરસાદ
હવામાન વિભાગ દ્વારા રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની કરેલી આગાહી વચ્ચે ગુરૂવારની વહેલી પરોઢે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વંટોળ સાથે વરસાદ ખાબક્યો હતો. આ વાવાઝોડા સાથેના વરસાદને લઈ કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાઈ થયા હતા.જયારે ખેતરોમાં ઉભા પાક જેવા કે બાજરી,જાર અને ઘાસચારાનો સોંથ વળ્યો હતો.હજુ હમણા જ તાઉતે ના પ્રકોપથી નુકશાન વેઠી રહેલ જિલ્લાના ખેડૂતોને હજુ કળ તો વળી નથી ત્યારે આ માવઠાથી સ્થિતિ કફોડી બની છે.
ચાલુ વર્ષે નૈઋત્યના ચોમાસાનું વિધીવત રીતે કેરળમાં આગમન થઈ ચૂકયું છે.જોકે ૩ દિવસ મોડા ચોમાસા આગમન વચ્ચે હવામાન વિભાગે રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. ત્યારે એકાએક બદલાયેલા હવામાન વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસા,ભિલોડા અને માલપુર પંથકમાં ગુરૂવારની પરોઢે વંટોળ સાથે વરસાદ ખાબકયો હતો. જોકે આ વરસાદને પગલે વીજળી રાબેતા મુજબ ડૂલ થઈ ગઈ હતી. પરંતુ વંટોળ સાથેના વરસાદથી કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાઈ થયા હતા.અને ખેતરમાં ઉભા પાક સહિત ખેતીપાક બાજરી,જાર અને ઘાસચારાને નુકશાન થવા પામ્યું હતું. જોકે અખાત્રીજે જે ખેડૂતોએ ખેતર સાફ કરી તૈયાર કર્યા હતા.તેવા ખેડૂતો દ્વારા આ પ્રિ-મોન્શૂન ઈફેકટ વચ્ચે હવે ચોમાસુ વાવેતર નો પ્રારંભ થશે એમ મનાઈ રહયું છે.
ગુરૂવારની પરોઢે એકાએક ગાજવીજ અને વાવાઝોડા વચ્ચે વરસેલા વરસાદને લઈ ભિલોડા ગામે લાટી બજારમાં વીજ કરંટ થી ગાયનું મોત નીપજયું હતું.જયારે મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવેલ વિશાળ વૃક્ષ કચેરી બીલ્ડીંગ ઉપર જ ધડાકાભેર તૂટી પડયું હતું. જોકે વહેલી પરોઢ ની ઘટના ને લઈ જાનહાની ટળી હતી.
જયારે ભિલોડા તાલુકાના લીલછા ગામે વૃક્ષ માર્ગ ઉપર ધરાશાઈ થતાં વાહન વ્યવહાર અટવાયો હતો અને વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.આ વરસાદમાં વ્યાપક પ્રમાણમાં ઘાસચારાને નુકશાન પહોંચતા પશુપાલકો,ખેડૂતો વ્યથીત બન્યા હતા.જયારે ભિલોડા,શામળાજી,ટીંટોઈ,મોડાસા અને માલપુર પંથક સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
૨૧ મી સદીમાં પણ વીજ તંત્ર ઠેરનું ઠેર
ભારે ચક્રવાત હોય,વંટોળ ફૂંકાતો હોય ત્યારે તૂટી પડતા વીજ પોલ વાયરને લઈ વીજ પુરવઠો ખોરવાય તે તો માની શકાય તેમ છે,ભારે વાવાઝોડાને લઈ જાનહાની ટાળવા વીજ પુરવઠો બંધ કરાય તે પણ બની શકે.પરંતુ વરસાદના બે છાંટે આજે પણ વેર થઈ જતી વીજળી થી લોકોની હાલાકી આ ટેકનોલોજી યુગમાં પણ દૂર થઈ શકી નથી. અને ચોમાસા પૂર્વે હાથ ધરાતા મેન્ટેનન્સ સામે પણ પ્રશ્નો ઉઠે છે.
૨૭ વીજ પોલ તૂટી પડયા: 4 પશુ મોતને ભેટયા
જિલ્લામાં ગત બુધવારની રાત્રે વંટોળ સાથે વરસેલા વરસાદને લઈ સંખ્યાબંધ વૃક્ષો ઉખડી ગયા હતા.ભારે વાવાઝોડા સાથે વરસેલા હળવા વરસાદમાં ૨૭ વીજ પોલ તૂટી પડયા હતા.જેમાં ૧૬ પોલ ભિલોડા અને ૧૧ વીજપોલ મોડાસા તાલુકામાં તૂટયા છે. જયારે ૪ પશુઓ મોતને ભેટયા છે. જિલ્લાના ઓઢા,હમીરપુર અને ધનસુરા પંથકમાં ૪ કાચા મકાન તૂટી પડયા હોવાનું ડીઝાસ્ટર વિભાગના સૂત્રોની યાદીમાં જણાવાયું છે.