દ. આફ્રિકામાં ગાંધીજીના પ્રપૌત્રીને છેતરપિંડીના કેસમાં સાત વર્ષની જેલ
જોહાન્સબર્ગ:
મહાત્મા ગાંધીની પ્રપૌત્રી આશિષ લતા રામગોબિનને દક્ષિણ આફ્રિકાની ડર્બનની અદાલતે સાત વર્ષની સજા ફટકારી છે. તેમના પર ભારતમાંથી એક ખેપ લાવવા માટે આયાત અને કસ્ટમ્સ ડયુટીને મેનેજ કરવાના નામે એસઆર મહારાજ નામના કારોબારી પાસેથી ૬૨ લાખ રેન્ડ (૩.૨૩ કરોડ રુપિયા) હડપવાનો આરોપ હતો. તેનાથી થનારા ફાયદાને કારોબારી સાથે વહેંચવાનું પણ વચન આપ્યું હતું. લતા પ્રસિદ્ધ કાર્યકર ઇલા ગાંધી અને દિવંગત મેવા રામગોબિનની પુત્રી છે.
ડર્બનની વિશેષ આર્થિક અપરાધ અદાલતે તેમને તેમની સામે દાખલ કરાયેલા તહોમતનામા અને સજા બંને સામે અપીલ કરવાની મનાઈ ફરમાવી દીધી છે.
લતા સામે ૨૦૧૫માં કેસની સુનાવણીનો પ્રારંભ થયો ત્યારે એનપીએના ડિરેક્ટર હંગવાની મુલૌદજીએ જણાવ્યું હતું કે તેમણે સંભવિત રોકાણકારોને ભારતથી લીનનના ત્રણ કન્ટેનર આવી રહ્યા છે તે સમજાવવા માટે નકલી રસીદ અને દસ્તાવેજ આપ્યા હતા. તે સમયે લતાને ૫૦,૦૦૦ના રેન્ડની જમાનત પર છોડવામાં આવી હતી.
સોમવારે લતા ગોબિનના મુદ્દે સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે તેમણે ન્યુ આફ્રિકા એલાયન્સ ફૂટવેર ડિસ્ટ્રિબ્યુટર્સના ડિરેક્ટર મહારાજ સાથે ૧૫મી ઓગસ્ટના રોજ મુલાકાત કરી હતી. મહારાજની કંપની કપડા, લિનન અને જૂતાની આયાત બનાવટ અને વેચાણનું કામ કરે છે. તેની સાથે બીજી કંપનીઓને પ્રોફિટ શેરના ધોરણે ફાઇનાન્સ પણ કરે છે. આ મુલાકાત દરમિયાન લતા રામગોબિને મહારાજને જણાવ્યું હતું કે તેમણે દક્ષિણ આફ્રિકાના જાણીતા હોસ્પિટલ જૂથ નેટકેર માટે લીનના ત્રણ કન્ટેનરની આયાત કરી છે.
એનપીએની પ્રવક્તા નતાશા કારાએ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે લતા રામગોબિને જણાવ્યું હતું કે તેમણે આયાત ખર્ચ અને કસ્ટમ ડયુટીની ચૂકવણી કરવા માટે આર્થિક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે હાર્બર બંદરે સામાન ક્લિયર કરાવવા માટે નાણાની જરૃર હતી. નતાશા કારાએ જણાવ્યું હતું કે લતાએ મહારાજને જણાવ્યું હતું કે સામાનને ક્લિયર કરાવવા માટે તેમને ૬૨ લાખ રેન્ડની જરૃરત છે. તેણે માલ ડિલિવર કરવા અને ચૂકવણીના પુરાવા તરીકે નેટકેરની રસીદ મહારાજને મોકલી હતી. કારાએ જણાવ્યું હતું કે લતા રામગોબિને નેટકેરના બેન્ક ખાતા દ્વારા તેનું સમર્થન પણ કર્યુ હતું. રામગોબિન કુટુંબની કૌટુંબિક શાખ અને નેટકેરના દસ્તાવેજના લીધે મહારાજે ઋણ આપવા તેમની સાથે લેખિત સમજૂતી કરી હતી. પછી જ્યારે મહારાજને આ દસ્તાવેજ નકલી હોવાની ખબર પડી ત્યારે તેમણે તેમની સામે છેતરપિંડીનો કેસ કર્યો.