હિલ સ્ટેશનો પર ફરવા જતો લોકો માટે સેલ્ફી પર રોક
વરસાદમાં ગુજરાતીઓ માઉન્ટ આબુ અને સાપુતારા ફરવા માટે નીકળી પડ્યા છે. જે કોઇ અમદાવાદીઓ સાપુતારામાં હોય અથવા તો જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તેવા લોકો કેટલીક જગ્યાએ ફોટોગ્રાફ્સ પાડતા પહેલાં દસ વખત વિચાર કરજો. કારણકે સેલ્ફીની લાહ્યમાં તમારે લોકઅપમાં પણ જવું પડશે. ડાંગના જિલ્લા અધિક કલેક્ટરે કેટલીક જગ્યા પર સેલ્ફી અને ફોટોગ્રાફ્સ પાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. કોરોનાની બીજી લહેરે અમદાવાદ સહિત ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો હતો. જેના કારણે ગુજરાતીઓ ત્રાહિમામ્ પોકારી ગયા છે. વરસાદનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતીઓએ માઉન્ટ આબુ તેમજ સાપુતારા જેવાં હિલ સ્ટેશનો પર ફરવા જવાનો પ્લાન કરી દીધો છે. વરસાદી માહોલમાં સાપુતારામાં ઠેરઠેર લીલોતરી, પહાડો પરથી પડતાં નાનાં મોટાં ઝરણાં, ખુશનુમા વાતાવરણ જન્નતથી કાંઇ કમ નથી હોતું. અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યમાંથી લોકો વરસાદમાં સાપુતારા જવાનો પ્લાન બનાવે છે. કોરોનાથી માનસિક રીતે તૂટેલા લોકો પણ ફ્રેશ થવા માટે સાપુતારા અને ડાંગ જિલ્લામાં તૈયાર થઇ ગયા છે.
હવે હિલ સ્ટેશનો પર ફરવા જતો લોકો માટે સેલ્ફી પર રોક
સાપુતારામાં એન્જોય કરવા માટે જેને પણ જવું હોય તે જઇ શકે છે પરંતુ ત્યા કેટલાક પ્રતિબંધ આવી ગયા છે. સાપુતારા તેમજ ડાંગમાં કેટલીક જગ્યા પર સેલ્ફી અને ફોટોગ્રાફ્સ પાડવા પર પ્રતિબંધ લાગવવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન ભારે થી અતિભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ મોટી નદીઓ, તળાવો, ચેકડેમ, નાળાં તેમજ જિલ્લામાં આવેલા નાના મોટા ધોધ વગેરેમાં માછલાં પકડવાં, નહાવા માટે મોટી સંખ્યામાં લોકો જાય છે.
હવે આ જગ્યાઓએ સેલ્ફી લેશો તો થઈ શકે છે જેલ
ડાંગ જિલ્લામા આવતા સહેલાણીઓ ગમે તે સ્થળ પર ઊભા રહીને મોબાઇલમાં ફોટા તેમજ સેલ્ફી લેવા જાય છે, અને વહેતાં પાણીનાં વહેણમાં વહી જઈ મૃત્યુ થવાની ઘણી સંભાવનાઓ રહેલી છે. જેથી આ બધી પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ મૂકવો અતિ આવશ્યક જણાતું હોઈ ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોર (જી.એ.એસ) દ્વારા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન ઉક્ત બાબતો ઉપર પ્રતિબંધ મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.