કલ્પના, સુનિતા બાદ સિરિશાને લાગી લોટરી, છે એરો-એસ્ટ્રોનોટિકલ એન્જિનિયર
ધરતીને ખૂંદી વળ્યા પછી હવે ઉદ્યોગપતિઓમાં અવકાશ પ્રવાસનો ક્રેઝ શરૂ થયો છે. 20મી જુલાઈએ એમેઝોન તથા સ્પેસ ટ્રાવેલ કંપનીના માલિક જેફ બેઝોસ સ્પેસ પ્રવાસે જવાના છે. એ પહેલાં જ સ્પર્ધામાં આગળ સાબિત થવું હોય એમ સ્પેસ ટ્રાવેલિંગના જૂના ખેલાડી રિચાર્ડ બ્રોન્સન કુદી પડયા છે.બ્રોન્સને જાહેરાત કરી છે કે તેઓ 11 તારીખે સ્પેસમાં જશે. એટલે કે બેઝોસ કરતા નવ દિવસ વહેલા. તેમની સાથે ભારતીય મૂળની અવકાશયાત્રી સિરિશા બાંડલે પણ હશે. સિરિશા 2015થી બ્રોન્સનની કંપનીમાં કામ કરે છે.
અવકાશમાં ખાનગી પ્રવાસો શરૂ કરવા માટે કેટલાક મોટા માથાઓ વચ્ચે સ્પર્ધા
અવકાશમાં ખાનગી પ્રવાસો શરૂ કરવા માટે કેટલાક મોટા માથાઓ વચ્ચે સ્પર્ધા ચાલે છે, જેમાં ત્રણ મુખ્ય છે. જેફ બેઝોસ, રિચાર્ડ બ્રોન્સન અને ઈલોન મસ્ક. મસ્ક સ્પેસ-એક્સ નામની કંપની દ્વારા અવકાશમાં સામાન પહોંચાડવાનું કામ કરે છે અને સાથે સાથે મંગળ સુધી પહોંચી શકે એવું રોકેટ બનાવે છે. રિચાર્ડ બ્રોન્સન વજન ગ્લેક્ટિક ગ્રૂપના માલિક છે. બ્રિટિશ ઉદ્યોગપતિ રિચાર્ડ પાસે 400થી વધારે નાની-મોટી કંપનીઓ છે.બેઝોસ-મસ્ક પાસે રોકેટ છે, તો બ્રોન્સને વિમાન તૈયાર કર્યું છે, જે અવકાશ સુધી પહોંચી શકે એમ છે. આ વિમાનને વીએસએસ યુનિટી નામ આપવામાં આવ્યુ છે. વજન ગ્લેકટિકનું આ આકાશી વિમાન અગાઉ 3 વાર સ્પેસ સફર કરી ચૂક્યુ છે. આ તેની ચોથી સફર હશે પરંતુ બ્રોન્સનની પહેલી સફર હશે. બ્રોન્સને અત્યારે અચાનક જાહેરાત કરી એનો અર્થ એટલો જ થાય કે એ બેઝોસ કરતા પોતાને વધારે એડવાન્સ સાબિત કરવા માંગે છે.
ભારતીય યુવતી સિરિશા પણ સાથે હશે
હવે સ્પેસ જાણકારોમાં એવી ચર્ચા પણ આરંભાઈ છે કે ક્યાંક આ બન્નેથી આગળ નીકળવા ઈલોન મસ્ક અચાનક પ્રવાસ જ ન કરી નાખે. આયોજન કરવાને બદલે અવકાશમાં જઈ આવ્યા પછી કે જવા રવાના થયા પછી મસ્ક જાણ કરે એવી પણ શક્યતા નકારી ન શકાય. કેમ કે મસ્ક એવા પરાક્રમો માટે જાણીતા છે.
34 વર્ષની સિરિશા મુળ આંધ્રપ્રદેશના ગંતુરની છે. જોકે તેનો ઉછેર-ભણતર અમેરિકાના હ્યુસ્ટનમાં થયા છે. સિરિશા એરો-એસ્ટ્રોનોટિકલ એન્જિનિયર છે. કંપનીમાં એ રિસર્ચ ઓપરેશનની વાઈસ પ્રેસિડેન્ટ છે. કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ પછી સ્પેસમાં જનારી સિરિશા ત્રીજી ભારતીય બનશે.
આ ત્રણેય માંધાતાઓની કંપનીઓ લાંબા સ્પેસ પ્રવાસોના આયોજનમાં પડી છે. સ્પેસ ટ્રાવેલનું માર્કેટ ઊંચકાઈ રહ્યું છે. સ્પેસમાં કામગીરી પણ વધી રહી છે. એટલે ધરતી પર સફળતાના વાવટા ખોડયા પછી અવકાશમાં પગદંડો જમાવવા રેસ શરૂ થઈ છે.