ચ-રોડને સમાંતર બે અંડરપાસ બનાવવા મંજુરી આપવામાં આવી
ગાંધીનગર:
ગાંધીનગરમાં સ્માર્ટસીટી અંતર્ગત ઘ-૪નો અંડરપાસ ખુલ્લો મુકવામાં આવ્યો છે તો બીજી બાજુ ગ-૪ જંકશન ઉપર અંડરબ્રીજની કામગીરી ચાલી રહી છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ચ-માર્ગને સમાંતર બે અન્ડરપાસ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવી છે. અગાઉ બજેટમાં જાહેરાત કરી દેવામાં આવ્યા બાદ તાજેતરમાં મંત્રી દ્વારા મંજુરી આપી છે અને કુલ રૃપિયા ૭૨.૮૦ કરોડના ખર્ચે આ બન્ને અંડરબ્રીજનું નિર્માણ કરવામાં આવશે.
પાટનગરના મુખ્યમાર્ગો પહોળા અને પાકા હોવા છતાં દિવસે અને દિવસે ટ્રાફિક વધતાં આ માર્ગો પણ સાંકડા લાગવા લાગ્યાં છે ત્યારે ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઇને સ્માર્ટસીટી અંતર્ગત ઘ-૪ અને ગ-૪ જંકશન ઉપર કોર્પોરેશન દ્વારા અંડરપાસની કામગીરી કરવામાં આવી છે. ઘ-૪નો અંડરપાસ તૈયાર થઇ ગયો છે જ્યારે ગ-૪ની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની અવર જવર વધુ સલામત અને ઝડપી બનાવવાની સાથે સરળ કરવા માટે રોડ નેટવર્કને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ચ-માર્ગ ચ-૨ અને ચ-૩ પર અંડરપાસ તૈયાર કરવા માટે ગત બજેટમાં જોગવાઇ કરવામાં આવી હતી જેને અનુલક્ષીને માર્ગ અને મકાન વિભાગે ખાસ દરખાસ્ત કરી હતી જેને આખરે મંત્રીકક્ષાએથી મંજુરી મળી ગઇ છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મંજુરી આપતા જણાવ્યું હતું કે,આ બંને અંડરપાસના નિર્માણ માટે આ વર્ષના બજેટમાં જાહેરાત કરાઇ હતી. ગાંધીનગર શહેરની ગ્રીન સીટી તરીકેની ઓળખને અસર ન થાય તથા ચ-૨ અને ચ-૩ જંકશન પર ટ્રાફીક જામ તથા અકસ્માતોના નિવારણ માટે નૂતન ડીઝાઇનના આ બે અંડરપાસ મંજુર કરાયા છે. જેના કામો ટૂંક સમયમાં શરૃ કરાશે.તેમણે ઉમેર્યું કે રૃપિયા ૭૨.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર આ બંને અંડરપાસ ૪૫૦ મીટર લંબાઇના બનશે. જેમાં મુખ્ય બ્રીજ ૧૦૦ મીટર તથા ૧૨૦૦ મીટર એપ્રોચ લંબાઇના નિર્મિત કરાશે. ઉપરાંત ૨ કિ.મી. લંબાઇનો સર્વિસ રોડ બનાવવાનું પણ આયોજન છે. આ અંડરપાસના નિર્માણથી શહેરની ટ્રાફીકની સમસ્યા હળવી થશે અને નાગરિકોના સમયની સાથે ઇંધણની પણ બચત થશે.