ધો. 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે એકશન પ્લાન તૈયાર કરાયો
રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ના રીપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૧૫ જુલાઈના રોજથી પરીક્ષા યોજાનાર છે. જેમાંં આણંદ જિલ્લાના ધો.૧૦ અને ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના મળી લગભગ ૧૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની વીડીયો કોન્ફરન્સ બાદ પરીક્ષાલક્ષી એક્શન પ્લાન ઘડી કાઢી તમામ કામગીરીઓ આરંભી દેવાઈ છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૧૫મી જુલાઈથી તા.૨૮ જુલાઈ દરમિયાન રીપીટર, ખાનગી કે પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાવાની છે. આણંદ જિલ્લામાં ધો.૧૦ના ૧૦૭૦૩ વિદ્યાર્થીઓની જિલ્લાના વિવિધ તાલુકા મથકોના ૧૬ સેન્ટરો ખાતે પરીક્ષાઓ યોજાશે. જેમાં આણંદ આણંદ ઝોનમાં ૮ કેન્દ્રોની ૨૯ બિલ્ડીંગોના ૨૮૧ બ્લોક અને પેટલાદ ઝોનમાં ૯ કેન્દ્રોની ૨૭ બિલ્ડીંગના ૨૫૫ બ્લોકમાં પરીક્ષા યોજાશે. જ્યારે ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહના ૨૦૭૨ વિદ્યાર્થીઓ આણંદ ખાતેના એક કેન્દ્રની ૭ બિલ્ડીંગોના ૧૦૦ બ્લોકમાં તેમજ સામાન્ય પ્રવાહના ૩૯૨૨ વિદ્યાર્થીઓ આણંદ ખાતેના એક કેન્દ્રની ૧૩ બિલ્ડીંગોના ૧૧૯ બ્લોકમાં પરીક્ષા આપશે. શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ પરીક્ષા કેન્દ્રના સંચાલકોને સીસીટીવી કેમેરાની ચકાસણી કરી લેવા તેમજ પરીક્ષા દરમિયાન ઓડીયો સહિતના વિડીયો રેકોર્ડીંગ રાખવાની સુચનાઓ આપવામાં આવી છે. સાથે તમામ પરીક્ષા કેન્દ્રના સંચાલકોને પરીક્ષાલક્ષી તૈયારીઓ શરૂ કરવા સુચના આપી છે.