ગાંધીનગર જિલ્લામાં ચાર PI અને 26 PSIની જાહેર હિતમાં સામૂહિક બદલી કરાઈ
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આજે જિલ્લાના ચાર પીઆઈ તેમજ 26 પી.એસ.આઇ ની તાત્કાલિક જાહેર હિતમાં સામુહિક બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી બદલી વાળી જગ્યાએ હાજર થઈ ચાર્જ લેવડદેવડ કર્યા બાદ પોલીસ વડા કચેરી ખાતે રિપોર્ટ કરવાના પણ આદેશો જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યા છે.
ગાંધીનગર જિલ્લામાં તાજેતરમાં 143 પોલીસ કર્મચારીઓની પદર ખર્ચે સામૂહિક બદલી કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીઓની બદલીઓ થવાના વાવડ સંભળાઈ રહ્યા છે. એવામાં ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ધ્વારા એકસાથે 4 પોલીસ ઈન્સ્પેક્ટર તેમજ 23 પોલીસ સબ ઇન્સ્પેકટરની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી કરવાના હુકમો કરવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લાના પોલીસ તંત્રમાં મોટાપાયે બદલીના આદેશ કરવામાં આવ્યા છે, અને ખૂબ જ મહત્વની ગણાતી એસ.ઓ.જી ઉપરાંત જિલ્લાના જુદાજુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 30 પોલીસ કર્મચારીઓની આંતરિક ફેરબદલીઓના આજે આદેશ કરવામાં આવ્યા છે. જેમાં મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ ડી એ ચૌધરીને એલ.આઈ.બી, જ્યારે એલઆઈબી પીઆઈ ડી.જી. તડવી ને મહિલા પોલીસ સ્ટેશનમાં નિમણૂક અપાઈ છે. જ્યારે લીવ રીઝર્વ કંટ્રોલ રૂમ પીઆઈ તરલ ભટ્ટ ને ચીલોડા પોલીસ મથકમાં બદલી કરાઈ છે. અને ચીલોડા પીઆઈ આઈ.એમ હુદડની બદલી સચિવાલય સંકુલમાં કરી દેવામાં આવી છે.
એજ રીતે જિલ્લાના 26 પીએસઆઇ ની પણ જાહેર હિતમાં આંતરિક બદલીઓ કરી દેવામાં આવી છે. જે પૈકી પેથાપુર પોલીસ મથકના પીએસઆઇ વી. બી.પરમાર ની કાર્યપ્રણાલી ના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેનાં પોલીસ વડાએ ગંભીર નોંધ લઈને તેમની બદલી રીડર ટુ એસ.પી કચેરીમાં કરી દેવાઈ છે. જેમના સ્થાને એટેચ એસઓજી પીએસઆઇ રવિરાજસિંહ ભરતસિંહ પરમારને નિમણૂક આપવામાં આવી છે.
જ્યારે માણસા પીએસઆઈ એચ કેસરી મળીને સેક્ટર 21 પોલીસ સ્ટેશન, ડભોડા પીએસઆઇ લાલસિંહ હરિસંગ મસાણીને લીવ રિઝર્વ એસ.ઓ.જી, રખિયાલ પીએસઆઇ એ. જે શાહ ને ઇન્ફોસિટી જ્યારે તેમની જગ્યાએ સેકટર-7 પોલીસ સ્ટેશનના આશાબેન એસ. ગામીત તેમજ સેકટર 7 પીએસઆઇ એમ. એસ. રાણાની બદલી લીવ રિઝર્વ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં બદલી કરી દેવામાં આવી છે. આમ જિલ્લા પોલીસ વડા દ્વારા 4 ઇન્સ્પેકટર તેમજ 26 પીએસઆઇ ની જાહેર હિતમાં બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે.