ગાંધીનગરગુજરાત

રાજયમાં ધો.૯ થી ૧૧ ની શાળાઓ ચાલુ કરવા લેવાયો નિર્ણય

ગાંધીનગર :

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ, શાળા વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તદઅનુસાર સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ જુલાઈ 2021 થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે.

આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો છે. ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.

રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ભૌતિક રીતે આગામી તારીખ 26 જુલાઈથી શરૂ થશે.

કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને અન્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x