ગાંધીનગરગુજરાત

ફોન હેકિંગ મામલે કોંગ્રેસના નેતાઓએ રાજ ભવન સામે વિરોધ પ્રદર્શન કર્યું, ધારાસભ્યો સહિત નેતાઓની અટકાયત

ભાજપ સરકાર દ્વારા પેગાસસ માલવેર મારફતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ દેશના અન્ય મહાનુભાવોની ગેરકાયદેસર, ગેરબંધારણીય રીતે સેલફોન હેકિંગ બાબતે નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ મારફતે તપાસ કરાવવાની માંગણી સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, વિરોધપક્ષ નેતા તેમજ ધારાસભ્યો સહિત સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ રેલી યોજી રાજભવન ખાતે હલ્લાં બોલ કરી રાજ્પાલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા કોંગ્રેસના અનેક ધારાસભ્યો તેમજ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવી નાખે તેવા ઈઝરાઈલના NSO કંપનીના પેગાસસ સોફ્ટવેર/માલવેર દ્વારા ફોન હેકિંગથી ભારતમાં વિરોધ પક્ષના નેતાઓ, શાસક પક્ષના અમુક નેતાઓ, ટોચના પત્રકારો, માનવ અધિકાર માટે લડતા કર્મશીલો, સુપ્રીમ કોર્ટના જજો તથા તેના સ્ટાફ, ચુંટણી પંચના કમિશ્નર સહિતના અંદાજે 300 જેટલા ફોન હેક કરવાની ઘટનાને ભારતની જનતાના સ્વતંત્ર જીવન જીવવાના અધિકાર ઉપર તરાપ મારનાર અને શાસન ટકાવી રાખવા માટે બંધારણ અને રાજનીતિક પ્રક્રિયા સાથે ચેડા કરવા સમાન છે.

ગુજરાતમાં વર્ષ 2017 અને 2020ની રાજ્યસભાની ચુંટણીઓ વખતે તથા વર્તમાન સમયમાં કોંગ્રેસ પક્ષના અને ભાજપના ટોચના નેતાઓના ફોન હેકિંગ દ્વારા જાસુસી થઈ રહી હોવાનો આક્ષેની શંકા સાથે કોંગ્રેસનાં ધારાસભ્યો અને નેતાઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો અને રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં જણાવાયું છે કે પેગાસસ સોફ્ટવેર/માલવેર દ્વારા ફોન ટેપીંગની ઘટના અંગે ફ્રાંસમાં પત્રકારો અને રાજકારણીઓના ફોન હેકિંગ કરવાની ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ભારતમાં આ પેગાસસ માલવેર દ્વારા અંદાજે 300 જેટલા મહાનુભાવોના ફોન હેક કરીને જાસુસ કરાઈ હોવાની ઘટનાનો સ્વીકાર કરવાની ભાજપની સરકાર ઈન્કાર કરી રહી છે. પેગાસસ દ્વારા કર્ણાટક અને મધ્યપ્રદેશની ચુંટાયેલ સરકારને ઉથલાવવામાં કોંગ્રેસના આગેવાનોના ફોન હેક કરીને જાસુસી કરાઈ હોવાની પ્રબળ શંકા છે.

કોંગ્રેસ પક્ષના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપ સરકારના બે મંત્રીઓ પ્રહલાદ જોષી અને વિષ્નોઈના ફોન હેક કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ભાજપ સરકારે પાકિસ્તાન કે ચીનની જાસુસી કરવાને બદલે પોતાના જ દેશના નાગરીકોની જાસુસી કરીને નિમ્ન કક્ષાની રાજનીતિના કારણે ભારતની આબરૂ દેશ અને દુનિયામાં ધોવાણ થયું છે. ભારતના નાગરીકોને બંધારણે આપેલો સ્વતંત્ર અને વ્યકિત્તગત જીવન વિના રોક-ટોકે જીવવાનો જે અધિકાર આપ્યો છે તેની રક્ષા કરવાને બદલે ભાજપ સરકાર આવું ગેરકાનુની રીતે ફોન ટેપીંગ કરાવી રહી છે.

ભાજપની કેંદ્ર સરકાર ફોન ટેપીંગની તપાસ સુપ્રિમ કોર્ટના ન્યાયધીશ મારફતે કરાવવામાં આવે તો કર્ણાટક અને મધ્યપ્રદેશમાં જનમત મેળવેલી સરકારો પાડવામાં અને ગુજરાતની 2017 અને 2020ની રાજ્યસભાની ચુંટણીઓ દરમિયાન કોના ફોન હેક થયા હતા તેની સાથે કયા ધારાસભ્યની કેટલા રૂપિયામાં ખરીદી થઈ હતી તે સોદાની ઘટના પણ સામે આવે તેમ છે.

અગાઉ વર્ષ 2002માં જે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના જ આગેવાન હરેન પંડ્યા તથા વિરોધ પક્ષના નેતાઓના ટેલીફોન ટેપ કરવાની સુચના રાજ્યના ગુપ્તચર વિભાગના અધિકારીઓને આપી હતી તે બાબત રેકોર્ડ ઉપર મૌજુદ છે. વર્ષ 2009માં નરેન્દ્ર મોદીની સુચનાથી જે તે વખતના ગૃહમંત્રી અમીત શાહે એક યુવતીની તેના બેડરૂમ સુધી જાસુસી કરવામાં આવી હતી અને તે બાબતની એક આઈ.પી.એસ. અધિકારીની વાતચીતની આખી ટેપ સી.બી.આઈ.એ મેળવી હતી. તે ઘટના પણ રેકોર્ડ ઉપર મૌજુદ છે. તેમ જ કોંગ્રેસ પક્ષના આગેવાનોની મોબાઈલની કોલ ડીટેઈલ ગેરકાનુની રીતે મેળવીને કોર્ટમાં રજૂ કરાઈ હોવાના દાખલાઓ પણ છે.

પેગાસસ માલવેરની ખરીદી અને મેઈનટેન્સ કોન્ટ્રાકટ મુજબ આવા માલવેર માત્ર સાર્વભૌમિક સરકારોને માત્ર ત્રાસવાદીઓની માહિતી મેળવવા જ વેચવામાં આવે છે અને એક મોબાઈલ હેક કરવાનો ખર્ચ અંદાજે 90 લાખ જેટલો થાય છે. અંદાજે 45 કરોડનું એક પેગાસીસ અંદાજે 50 ફોન ટેપ કરી શકે છે.નાગરીકોની જાસુસી કરવાનો ખર્ચ કયા હેડ હેઠળ કરવામાં આવે છે? આ ખર્ચ કોઈ ખાનગી ઉદ્યોગ ગૃહ કે ભારત સરકારનું સ્વાયત એકમ ભોગવે છે. જેમના ફોન ટેપ થાય છે તે યાદીમાં જે નામ છે જેવાકે પ્રશાંત કિશોર, અશોક લવાસા, આલોક વર્મા વગેરે તે પરથી સ્પષ્ટ થાય છે કે તેમાં સત્તા પાર્ટી સંડોવાયેલી છે.પ્રશાંત કિશોર ભાજપ સામેના ચૂંટણી જંગમાં ભાજપને હરાવવા ખૂબ જાણીતા છે. અશોક લવાસા કે જેઓ ચૂંટણી પંચના કમિશ્નર હતા જેઓનો પક્ષ હતો કે 2019ની ચૂંટણીઓ દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા અપનાવેલી ગેર રીતિઓ સામે નિષ્પક્ષ રીતે પગલાં લેવા જોઈએ. આલોક વર્મા, પૂર્વ ડાયરેકટર, સીબીઆઈ કે જેમણે રાફેલ જેટની ખરીદી બાબતે પ્રાથમિક તપાસની નોંધ કરેલી. તે યાદ કરવું જોઈએ કે રાતોરાત તેમની બદલી કરવામાં આવેલી અને દિલ્હી પોલીસ દ્વારા તેમને સીબીઆઈ મુખ્યાલયમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવેલા કારણ કે ડર હતો કે તેઓ આ બાબતમાં FIR રજીસ્ટર કરશે.

તેમણે તત્કાલીન સ્પેશિલ ડાયરેકટર, સીબીઆઈ કે જેઓ ગોધરા ટ્રેન કાંડ 2002ની તપાસ માટેની SITના હેડ હતા તેમની સામે FIR રજીસ્ટાર કરેલી. તે જ પ્રમાણે ગુજરાત કેડરના આઇપીએસ ઓફિસરો જેવા કે રાકેશ અસ્થાના અને એ. કે. શર્મા પણ આ યાદીમાં છે. તે જ બતાવે છે કે પેગાસસ સોફ્ટ્વેરને રાષ્ટ્રીય સલામતી કે જાહેર કાયદા સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ તેનો ઉપયોગ જે લોકો સરકારનો વિરોધ કરે છે અથવા જેઓની માહિતી એકઠી કરવામાં સરકારને રસ છે તેમના પર દેખરેખ રાખવા અને તેમની માહિતી એકઠી કરવા માટે કરવામાં આવે છે.

આમ, આ બાબતે સર્વાંગી તપાસ જરૂરી છે તેમજ દેશમાં અને રાજ્યમાં કયા મહાનુભાવોના ગેરકાયદેસર રીતે ફોન ટેપીંગ કરવામાં આવેલ તેની સત્ય વિગતો નાગરીકો સામે જાહેર કરવામાં આવી નથી જે બદલ દેશના વડાપ્રધાન દેશના લોકોની માફી માંગે તેમજ જેમના શીરે દેશ અને જનતા જનાર્દનની સુરક્ષાની જવાબદારી છે તેવા બેજવાબદાર ગૃહમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રીના હોદ્દા પરથી રાજીનામું આપે અને ગેરકાયદેસર કૃત્ય કરવામાં સંડોવાયેલા સામે પગલાં લેવાય તે માટે સુપ્રિમ કોર્ટના ન્યાયધીશ મારફતે તપાસ થાય તેવી માંગણી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા કરવામાં આવી છે.આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ભરત સિંહ સોલંકી તેમજ કોંગ્રેસના ધારાસભ્યો, નેતાઓ પદાધિકારીઓ સહિત કાર્યકરો જોડાયા હતા. ત્યારે પોલીસ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદો તેમજ નેતાઓ, મહિલાઓ મળી આશરે 50 જેટલા લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x