આવતા અઠવાડિયા બાદ કદાચ હું CM નહી રહું : ભાજપ મુખ્યમંત્રીનાં નિવેદનથી રાજકારણમાં ભૂકંપ
કર્ણાટકમાં ઘણા સમયથી સત્તા પરિવર્તનનો વંટોળ ઉઠ્યો છે. હવે મુખ્યમંત્રી યેદીયૂરપ્પાએ પોતે આ સમગ્ર મામલે ફોડ પાડતાં આંચકાજનક નિવેદન આપ્યું હતું.
સરકારને બે વર્ષ થશે પૂરાં
તાજેતરમાં જ કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયૂરપ્પા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના કેટલાંક વરિષ્ઠ નેતાઓને પણ દિલ્હી મુલાકાત દરમિયાન મળ્યા હતાં. આ મુલાકાત બાદ હવે તેમણે પોતે જ નિવેદન આપ્યું હતું કે કદાચ આવતા અઠવાડિયે તેઓ મુખ્યમંત્રી નહીં રહે. નોંધનીય છે કે આ મહિનાની 26 મી તારીખે યેદીયૂરપ્પા સરકારને બે વર્ષ પૂરાં થશે. તેમણે ભેદમાં જણાવ્યું હતું કે તેઓ કદાચ આવતા અઠવાડિયે મુખ્યમંત્રી ન પણ હોય. ભાજપ હાઈકમાન્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તેને તેઓ શિરે ચડાવશે એવું પણ કહ્યું હતું.
હું ન રહું તો પણ ભાજપ સત્તા પર રહેવી જોઈએ
“અમારી સરકારને બે વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે, 26 જુલાઈએ એક મોટો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. ત્યાર બાદ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા જે નિર્ણય લેવામાં આવે તે હું શિરે ચડાવીશ. તમને બધાને ખબર જ છે કે મે બે મહિના અગાઉ કહી દીધું હતું કે હું બીજા માટે રસ્તો બનાવવા માટે જલ્દી જ રાજીનામું આપી દઇશ. હું સત્તા પર ન રહું તો પણ ભાજપને સત્તા પર લાવવું મારુ કર્તવ્ય છે” આવું કહીને તેમણે ઉમેર્યું હતું કે પક્ષને મજબૂત બનાવવા માટે તેઓ પૂરેપૂરો સહયોગ આપશે.
હજુ સુધી માગવામાં નથી આવ્યું રાજીનામું
78 વર્ષીય યેદીયૂરપ્પાએ એમ પણ કહ્યું હતું કી હજુ સુધી તેમનું રાજીનામું માગવામાં નથી આવ્યું. પરંતુ જ્યારે આદેશ આવશે ત્યારે તેઓ ના નહીં કહે. 25 તારીખે જે નિર્ણય આવે તે જ પોતે માનીને પક્ષને મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરશે એવું તેમણે કહ્યું હતું. હું માર્ગ અને અને જલ સિંચાઈ વિભાગ લઈને પોતાનું કામ કરતો રહીશ અને છેલ્લે સુધી પોતાનું કર્તવ્ય કરીશ એવું તેમણે કહ્યું હતું
ઉત્તરાધિકારીનું નામ આપવાનો ઇનકાર
યેદીયૂરપ્પાને જ્યારે ઉત્તરાધિકારીનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે ફરી એકવાર કહ્યું હતું કે રવિવારે જોઈએ શું થાય છે. આ અગાઉ કર્ણાટકમાં ચાલેલા સત્તાસંઘર્ષમાં યેદીયૂરપ્પાએ પોતાના સમર્થકોને વિરોધ પ્રદર્શનમાં ન જોડાવા અને મદદ કરવા માટે અનુરોધ કર્યો હતો.