ભગવાન બુદ્ધના માર્ગ પર ચાલીને મોટામાં મોટા પડકારનો સામનો કેવી રીતે કરી શકાય તે ભારતે કરી દેખાડ્યું- PM મોદી
આજે ગુરુ પૂર્ણિમાના અવસરે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દેશને સંબોધન કર્યું. સંબોધનની શરૂઆત સાથે તેમણે કહ્યું કે તમને બધાને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અને અષાઢ પૂર્ણિમાની ખુબ ખુબ શુભેચ્છાઓ. આજે આપણે ગુરુ પૂર્ણિમા પણ ઉજવીએ છીએ અને આજના દિવસે જ ભગવાન બુદ્ધે બુદ્ધત્વની પ્રાપ્તિ બાદ પોતાનું પહેલું જ્ઞાન સંસારને આપ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે આપણા ત્યાં કહેવાયું છે કે જ્યાં જ્ઞાન છે, તે પૂર્ણત: છે. તે પૂર્ણિમા છે. જ્યારે ઉપદેશ કરનારા સ્વયં બુદ્ધ હોય તો સ્વાભાવિક છે કે જ્ઞાન સંસારના કલ્યાણનું પર્યાય બની જાય છે. તેમણે કહ્યું કે સારનાથમાં ભગવાન બુદ્ધે સમગ્ર જીવનનું, સંપૂર્ણ જ્ઞાનનું સૂત્ર આપણને જણાવ્યું હતું. તેમણે દુખ વિશે જણાવ્યું, દુખના કારણો વિશે જણાવ્યું, આશ્વાસન આપ્યું કે દુખો સામે જીતી શકાય છે, અને તે જીતવાનો રસ્તો પણ બતાવ્યો. કોરોના મહામારી વિશે બોલતા કહ્યું કે આજે કોરોના મહામારી સ્વરૂપે માનવતા સામે મોટું સંકટ છે ત્યારે ભગવાન બુદ્દ આપણા માટે વધુ પ્રાસંગિક બની જાય છે. ભગવાન બુદ્ધના માર્ગ પર ચાલીને જ મોટામાં મોટા પડકારનો સામનો આપણે કેવી રીતે કરી શકીએ તે ભારતે કરીને બતાવ્યું છે.