અતિવૃષ્ટિને અને પૂરની સર્જાયેલી સ્થિતિને કારણે શાકભાજીની આવક ૨૫થી ૩૦ ટકા ઘટી
રાજ્યના વિવિધ જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિને અને પૂરની સર્જાયેલી સ્થિતિને કારણે ખેતીના પાકને પણ નુકસાન થયું છે. પરિણામે મુંબઈમાં શાકભાજીની આવક ૨૫થી ૩૦ ટકા ઘટી છે. આવક ઘટવાને લીધે પ્રતિકિલો પાછળ દસથી પંદર રૃપિયાનો વધારો થયો છે.
અતિવૃષ્ટિના લીધે કોંકણ સહિત પશ્ચિમ મહારાષ્ટ્રમાં નિર્માણ થયેલી પૂરની સ્થિતિએ બધું જ વેરવિખેર કરી નાખ્યું છે. ઘર સહિત અનેક લોકોને ખેતીમાં ઘણું નુકસાન થયું છે. મુંબઈમાં નાશિકના નજીકના ગામોમાંથી મોટા પ્રમાણમાં શાકભાજી આવે છે. તેવી જ રીતે થાણે, પાલઘરના ખેડૂતો પણ મુંબઈમાં શાકભાજી વેચે છે, પરંતુ આ બધે જ ઠેકાણે થયેલા મુશળધાર વરસાદને લીધે મુંબઈને થનારો શાકભાજીનો પુરવઠો હાલમાં ઘટયો છે. માગણીની સરખામણીમાં પુરવઠો બહુજ ઓછો હોવાને લીધે તેના ભાવ વધી ગયા છે. નવો પાક તૈયાર થયા બાદ પણ આવક ઓછી રહેવાની શક્યતા છે. તેથી આગામી મહિનામાં હજી શાકભાજીની અછત વર્તાય અને દરમાં વધારો થાય તેવો અંદાજ રીટેલ બજારના વેપારીઓ વ્યક્ત કર્યો છે. તેમણજ ણાવ્યું હતું કે આવનારા દસ દિવસમાં વરસાદનું ખરેખરું પરિણામ દેખાશે. ત્યારે આવક મોટા પ્રમાણમાં ઘટશે અને દરમાં વધારો થશે.
વેપારી સિદ્ધાર્થ ગડદેએ જણાવ્યું હતું કે વરસાદને કારણે નિકૃષ્ટ દરજ્જાનો માલ અધિક વધવાને લીધે છૂટક વેપારીઓ પાસેથી વધુ ભાવમાં શાકભાજી ખરીદી થઇ રહી છે. તેથી બજારમાં શાકભાજીના ભાવમાં મોટા તફાવત જોવા મળે છે. વરસાદમાં ગવાર ૨૦ રૃપિયા પ્રતિકિલો ભાવે મળે છે. તેમાંથી ઉત્તમ દરજ્જાનું ગવાર ૬૦ રૃપિયા કિલોના ભાવે ઉપલબ્ધ છે.