ગાંધીનગર: સરગાસણ ટીપી 9માં આવેલી શરણમ કન્સ્ટ્રક્શન સાઈટ પરથી રૂ.3.26 લાખનો પ્લમ્બિંગનો સામાન ચોરનાર ગેંગ ઝડપાઈ
ગાંધીનગર :
ગાંધીનગરનાં સરગાસણ ટીપી 9 માં આવેલી શરણમ કન્સ્ટ્રક્શન સાઈટનાં ગોડાઉનના દરવાજાનું તાળુ તોડી તસ્કરો અત્યંત મોંઘી કિંમતના જેકવાઆર કંપનીના રૂ.3.26 લાખની કિંમતના પ્લમ્બિંગનો સામાન ચોરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે અડાલજ પોલીસે રાજસ્થાની ગેંગને હ્યુમન ઈન્ટેલિજન્સ થકી ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. સાઈટના ગોડાઉનમાંથી પ્લમ્બિંગ સામાન ભરેલા કુલ 17 નંગ બોક્સ તેમજ બે કોથળા ગાયબ ચોરાઇ ગયા હતા. જે સંદર્ભે જેકવાઆર કંપનીના અપર પાર્ટ કુલ નંગ – 76 કિ. રૂ. 60 હજાર, સ્પાઉટ નંગ – 124 કિ. રૂ. 1 લાખ, એંગલ કોક નંગ – 292 કિ. રૂ. 87 હજાર, પીલર કોક નંગ – 16 કિ. રૂ. 17 હજાર તેમજ બિંબ કોક નંગ – 104 કિ. રૂ. 62 હજાર મળી કુલ રૂ. 3.26 લાખની કિંમતનો સામના ચોરાયાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અડાલજ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જે. એચ. સિંધવ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ થકી તપાસ શરૂ કરી સઘન પેટ્રોલીંગ શરૂ કરાવવામાં આવ્યું હતું. જેનાં પગલે ઉક્ત ગુનાને અંજામ આપનાર ચાર ઈસમોની રાજસ્થાની ગેંગને ઝડપી લેવામાં આવી હતી. જેમની પાસેથી ચોરીમાં ગયેલ રૂ. 3.26 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.
આ અંગે ઈન્સ્પેક્ટર સિંધવે જણાવ્યું હતું કે, ઉક્ત ગુનામાં પૂનમસિંહ ધીસુસિંહ રાવત, કેતન બાબુનાથ યોગી, લક્ષ્મણ અમરાજી કુમાવત (રહે.વાવોલ મૂળ. ભીલવાડ, રાજસ્થાન) તેમજ શંકર પૃથ્વીરાજ રાવ (રહે.ગોકુળપૂરા મૂળ ભીલવાડ, રાજસ્થાન) ને ઉપરોક્ત ચોરીના ગુનામાં ઝડપી લેવામાં આવ્યા છે. રાજસ્થાની ગેંગ પેન્ડલ રીક્ષા લઈને ભંગાર વિણવા નીકળતી હતી અને અલગ અલગ જગ્યાએ ફરીને દુકાનો તેમજ ગોડાઉનની રેકી કરી રાત્રિ દરમ્યાન ચોરી કરવામાં આવતી હતી. જે મુજબ આ સાઈટ પર પણ રેકી કરી પીકઅપ ડાલું તેમજ બાઈક લઈને આવી રૂ.3.26 લાખની કિંમતના પ્લમ્બિંગ સામાનની ચોરી કરવામાં આવી હતી. જેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી લઈ અન્ય ગુના આચરવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે.