જમ્મુ કાશ્મીરમા 370 હટ્યા પછી પણ સુરક્ષિત નથી? આતંકીઓએ ફાયરિંગ કરી ભાજપ નેતા જાવેદ અહેમદ ડારની હત્યા કરી
જમ્મુ :
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદી હુમલો થયો છે જેમાં ભાજપના નેતા જાવેદ અહમદ ડારનું મોત થયું છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ ડારને નિશાન બનાવતી વખતે આ ઘટનાને અંજામ આપ્યો છે. હુમલા બાદ તરત જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
જાવેદ અહેમદ ભાજપના કુલગામ એકમના સભ્ય હતા અને તેઓ હોમશાલીબાગ મતવિસ્તારના પ્રભારી પણ હતા. ભાજપના કાશ્મીર મીડિયા સેલના વડા મંઝૂર અહેમદે આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. મળતી માહિતી મુજબ, આતંકવાદી ઘટનામાં ગોળી વાગ્યા બાદ જાવેદ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ભાજપના નેતાનું હોસ્પિટલમાં મોત થયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, આતંકવાદીઓએ જાવેદ અહેમદ ડારને દક્ષિણ કાશ્મીરના બ્રજલુ જાગીર વિસ્તારમાં તેમના ઘરની નજીક સવારે 4.30 વાગ્યે ગોળી મારી હતી. હવે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ભાજપ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પણ આ હુમલાને નિંદનીય ગણાવ્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે અહેમદના પરિવાર પ્રત્યે મારી સંવેદના, અલ્લાહ તેમને સ્વર્ગમાં સ્થાન આપે.
ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓ સતત ભાજપના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. ગયા સપ્તાહે આતંકવાદીઓએ અનંતનાગમાં આવી જ એક ઘટનાને અંજામ આપ્યો હતો. શહેરના લાલ ચોક ખાતે આતંકવાદીઓએ ભાજપના નેતા ગુલામ રસૂલ ડાર અને તેની પત્ની પર ગોળીબાર કર્યો હતો, જે બાદ બંનેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.