અમદાવાદમાં કોરોનાની રસી લેવામાં પુરુષો આગળ : 56.91 ટકા પુરુષોની સરખામણીએ 43 ટકા મહિલાએ રસી લીધી
અમદાવાદમાં અત્યાર સુધી 43.81 લાખ લોકોએ કોરોનાની રસીનો પ્રથમ કે બંને ડોઝ લઈ લીધા છે. આમાંથી 33.16 લાખે પ્રથમ જ્યારે 10.65 લાખે બંને ડોઝ લીધા છે. રસી લેનારામાં 24.93 લાખ પુરુષ અને 18.87 લાખ મહિલાનો સમાવેશ થાય છે. અર્થાત્ પુરુષોની સરખામણીઅે મહિલાઓ 14 ટકા ઓછી છે.મ્યુનિ.ના આંકડા મુજબ અત્યાર સુધી 56.91 ટકા પુરુષ અને 43.06 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે.
કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેનારા લોકોની ટકાવારી 75.68 છે. જ્યારે 10.65 ટકા લોકોએ બંને ડોઝ લઈ લીધા છે. રસી લેનારામાં 94.67 ટકાએ કોવિશીલ્ડ જ્યારે 5 ટકાથી પણ ઓછા લોકોએ કોવેક્સિન મુકાવી છે. અત્યાર સુધી માત્ર 7,404 લોકોએ રશિયાની સ્પુટનિક રસી લીધી છે. રસીકરણ ઝુંબેશના ભાગરૂપે પ્રથમ ડોઝનો ટાર્ગેટ હાંસલ થયો છે પરંતુ બંને ડોઝ લેનારાની સંખ્યા હજુ પણ ઓછી છે. આ માટે મ્યુનિ. બીજો ડોઝ બાકી હોય તેવા લોકો માટે બુધવાર અને રવિવારે વિશેષ ઝુંબેશ હાથ ધરશે. બે ડોઝ વચ્ચે 84 દિવસના અંતરને કારણે આંકડામાં ફરક છે.
ટાગોર હોલમાં અત્યાર સુધીમાં 1.15 લાખ લોકોને રસી મુકાઈ
ગુજરાતના સૌથી મોટા રસીકરણ કેન્દ્ર ટાગોર હોલમાં મહત્તમ લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં માત્ર ટાગોર હોલમાં જ 1.15 લાખ લોકોને રસી આપવામાં આવી છે. જે પછી સિંધુ ભવન રોડ આવેલા પંડિત દીનદયાળ હોલ ખાતે 86707 લોકોએ રસી લીધી છે.
18થી 44ની વયજૂથના 24.14 લાખે રસી લીધી
શહેરમાં કોરોનાની વેક્સિન મેળવનાર કુલ 43.81 લાખ નાગરિકોમાં 18થી 44 વર્ષની ઉંમરના 24.14 લાખ નાગરિકોનો સમાવેશ થાય છે. નોંધનીય છેકે, કુલ વેક્સિન લેનારમાં 55.10 ટકા યુવાનોએ વેક્સિન મેળવી છે. જે બાદ 27 ટકા એટલે કે, 11.89 લાખ નાગરિકો 45 થી 60 વર્ષની વયના છે. તો 17.74 ટકા એટલે કે 7.77 લાખ વૃદ્ધોનો સમાવેશ થાય છે. રસી મુકાવવામાં 18થી 44 વર્ષની વયજૂથના લોકોમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો હોવાનું તારણ નીકળે છે. આ વયજૂથમાં 55 ટકાથી વધુએ રસી લીધી છે.
કોરોનાના નવા 2 કેસ, વધુ 36 હજારને રસી અપાઈ
અમદાવાદમાં વધુ 36,080 લોકોને ગુરૂવારે રસી મૂકવામાં આવી હતી જેમાં 21,402 પુરૂષ અને 14,678 મહિલાઓનો સમાવેશ થયો હતો. 18થી 44 વયજૂથના 26,147 જ્યારે 45 વર્ષ કરતા મોટી ઉંમરના 8,967એ રસી મૂકાવી હતી. ગુરૂવારે 911 લોકોએ ખાનગી રસી કેન્દ્રોમાં રૂપિયા ચૂકવીને રસી મૂકાવી પડી હતી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ફકત બે નવા કેસ ધ્યાને આવ્યા હતાં. શહેરની મોટા ભાગની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી ગઈ છે. તેમ છતા સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખી તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે.